મુંબઈ : મ્હાડાના મુંબઈ બોર્ડે બાંદરા પશ્ચિમ સ્થિત ૧૧૨૫ ચો.મી. પ્લોટ પર વેટરનરી હૉસ્પિટલ બાંધવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણયની અમલ બજાવણી માટે આગામી સપ્તાહે ટેન્ડર મગાવવામાં આવશે.ભટકતાં શ્વાન, બિલાડી અને અન્ય પ્રાણીઓની અંતિમવિધિ માટે ઉપનગરોમાં જગ્યા ઉપલબ્ધ થતી નથી.અનેકવાર મૃત પ્રાણી-પક્ષીઓને રસ્તા પર કે કચરા પાસે મૂકી દેવાય છે.તેને પગલે પૂર્વીય અને પશ્ચિમી પરાંમાં પશુ-પક્ષીઓ માટે વેટરનરી હૉસ્પિટલ બાંધવાનો નિર્ણય મ્હાડાએ લીધો છે.તેમજ પ્રાણીઓની અંતિમવિધિ માટે જગ્યા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ નિર્ણયની અમલબજાવણી માટે મુંબઈ બોર્ડના બાંદરા વિભાગે ૧૧૨૫ ચો.મી.નો ભૂખંડ પસંદ કર્યો છે.
બાંદરા પશ્ચિમ સ્થિત એમટીએનએલ બિલ્ડીંગ અને જમાત-એ-જમોરિયા સહકારી ગૃહનિર્માણ સંસ્થા પાસે બોર્ડની માલિકીનો ભૂખંડ છે.આજ પ્લોટ પર વેટરનરી હૉસ્પિટલ બંધાશે, એવી માહિતી અધિકૃત સૂત્રો દ્વારા મળી છે.જે માટે સ્વારસ્ય અભિવ્યક્તિના ટેન્ડર આગામી અઠવાડિયે મગાવાશે.આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રત્યક્ષ ટેન્ડર મગાવી હૉસ્પિટલનું કામ હાથ ધરાશે.જોકે હૉસ્પિટલ નિર્માણમાં કેટલો સમય લાગશે, તે કેવી હશે અને તે માટે કેટલો ખર્ચ થશે વગેરે બાબતો સ્વારસ્ય અભિવ્યક્તિના ટેન્ડર આવ્યા બાદ જાણી શકાશે.