કલકત્તા, તા. 07 મે 2022 શનિવાર : પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે આજે રાતે BCCI પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીના ઘરે જઈને ડિનર કર્યુ.ગાંગુલીએ આજે સંવાદદાતાઓને આ મુલાકાતની જાણકારી આપી હતી.તેમણે કહ્યુ હતુ કે આ મુલાકાત રાજકીય નથી. તેઓ અમિત શાહને એક દાયકા કરતા વધારે સમયથી જાણે છે અને ઘણીવાર મળી ચૂક્યા છે.આ એક શિષ્ટાચાર ભેટ હશે.ગૃહ મંત્રી ગાંગુલીના ઘરે બોડીગાર્ડથી ઘેરાયેલી એક સફેદ એસયુવીમાં પહોંચ્યા.તેઓ કારની સામેની સીટ પર બેસેલા હતા. અમિત શાહને જોવા માટે રસ્તા પર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. તેમણે નમસ્તેના ભાવથી લોકોનુ અભિવાદન પણ કર્યુ.
આ મુલાકાત પહેલા ગાંગુલીએ પત્રકારોને કહ્યુ હતુ કે અમિત શાહ સાંજે આવશે. તેમણે મારુ આમંત્રણ સ્વીકાર કરી લીધુ છે.અમારી પાસે વાત કરવા ઘણુ બધુ છે.હુ તેમને 2008થી જાણુ છુ.જ્યારે હુ ક્રિકેટ રમતો હતો ત્યારે અમે મળતા હતા. હુ તેમના પુત્રની સાથે કામ કરુ છુ. આ એક જુનુ જોડાણ છે.કેન્દ્રીય મંત્રીના પુત્ર જય શાહ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં માનદ સચિવ તરીકે પૂર્વ ક્રિકેટરના સહયોગી પણ છે.અમિત શાહ પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસે છે.કલકત્તાના કાશીપુરમાં ભારતીય જનતા યુવા મોર્ચા કાર્યકર્તા અર્જુન ચોરસિયાના મોતની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માગ કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે કહ્યુ કે બંગાળમાં હિંસાની સંસ્કૃતિ અને ભયનો માહોલ છે.