નવી દિલ્હી, તા. 09 મે 2022, સોમવાર : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ(Dawood Ibrahim)ની ડી-કંપની પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA)એ મોટી કાર્યવાહી કરી છે.NIAએ આજે મુંબઈમાં 20 સ્થળો પર દરોડા પાડ્યા છે.આ 20 સ્થળો દાઉદના શાર્પ શૂટર્સ, તસ્કરો, ડી-કંપનીના રિયલ એસ્ટેટ મેનેજર સાથે સબંધિત છે.આ સિવાય ઘણા હવાલા ઓપરેટરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.જે કેસમાં દરોડા પડ્યા છે તે એ જ કેસ છે જેમાં EDએ NCP નેતા નવાબ મલિકની ધરપકડ કરી હતી.NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ, પરેલના 20 સ્થળો પર દરોડા પાડ્યા છે.મળતી માહિતી પ્રમાણે ગૃહ મંત્રાલયના આદેશ પર એનઆઈએ NIAએ દાઉદ ઈબ્રાહિમ, ડી કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો જેના આધારે આ તપાસ અને દરોડા ચાલી રહ્યા છે.ડી કંપની સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સગંઠન છે.તે જ સમયે, 1993ના મુંબઈ વિસ્ફોટના આરોપી દાઉદને 2003માં યુએન દ્વારા વૈશ્વિક આતંકવાદી ગણવામાં આવ્યો હતો.તેના પર 25 મિલિયન ડોલરનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.
ગૃહ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2022માં દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી.નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દેશની સૌથી મોટી આતંકી તપાસ એજન્સી છે.અગાઉ, ED દાઉદ સાથે સંબંધિત કેસોની તપાસ કરી રહી હતી.ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે D કંપની અને દાઉદ ઈબ્રાહિમ ભારતમાં ટેરર ફન્ડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સ સ્મગલિંગ અને ફેક કરન્સી (FICN)નો વેપાર કરીને આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે. એટલું જ નહીં દાઉદ ઈબ્રાહિમ અને તેની D કંપની, લશ્કર એ તૈયબા (LeT), જૈશ એ મોહમ્મદ (JeM) અને અલ કાયદા દ્વારા ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપી રહ્યા છે.NIA માત્ર દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી કંપનીની આતંકવાદી ગતિવિધિઓની જ નહીં પરંતુ અંડરવર્લ્ડ ડોનનાં ગોરખધંધા છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેનન, ઈકબાલ મિર્ચી (મૃતક), દાઉદની બહેન હસીના પારકર (મૃતક) સાથે સંબંધિત આતંકવાદી પ્રવૃત્તિઓની પણ તપાસ કરશે.હાલમાં દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છૂપાયેલો છે અને કરાંચીના પોશ વિસ્તારમાં પોતાનું ઠેકાણું બદલીને રહે છે.

