બેઈજિંગ, તા.૮ : ચીન ટેક્નોલોજીની દૃષ્ટિએ દુનિયામાં અગ્રણી સ્થાન ધરાવે છે.ચીને તેના અનેક ઉત્પાદનોથી વિશ્વમાં આશ્ચર્ય સર્જ્યું છે ત્યારે હવે તેણે ડેમ બનાવવા માટે માણસના બદલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ રોબોટનો ઉપયોગ કરવાની જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી છે.ચીને જાહેરાત કરી છે કે તે તિબેટના મેદાની વિસ્તારમાં દુનિયાનો પહેલો ૩ડી પ્રિન્ટેડ ડેમ બનાવશે.યાંગ્કૂ હાઈડ્રોપાવર પ્લાન્ટ નામનો આ ડેમ માત્ર બે વર્ષમાં બનીને તૈયાર થઈ જશે.જોકે, ચીનની યલો નદી પર બનનારો આ ડેમ ભારત સહિતના દેશો માટે નવી સમસ્યાઓ લાવે તેવી સુરક્ષા નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે.ચીને દાવો કર્યો છે કે આ ડેમના નિર્માણ માટે ઉપયોગમાં લેવાનારા બુલડોઝર, ટ્રક, ખોદકામના મશીનો, પેવર્સ અને રોલર્સ સહિતની મશીનરી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિકથી ચાલશે. આ ડેમ બનાવવામાં ક્યાંય પણ માણસનો ઉપયોગ નહીં થાય.માત્ર મશીનોની મદદથી લેયર બાય લેયર ડેમનું નિર્માણ કરાશે.જોકે, આ ડેમનું નિર્માણ કામ ક્યારથી શરૂ થશે તે અંગે ચીને કોઈ સ્પષ્ટતા કરી નથી.
યાંગ્કૂ હાઈડ્રોપાવર પ્લાન્ટ માટે ડેમના નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરોએ જણાવ્યું કે, આ ડેમની ઊંચાઈ અંદાજે ૫૯૦ ફૂટ (૧૮૦ મીટર) હશે.આ ડેમનું નિર્માણ યલો રિવર પર થશે.યાંગ્કૂ હાઈડ્રોપાવર પ્લાન્ટની વીજઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક ૫૦૦ કરોડ કિલોવોટ હશે.એટલું જ નહીં, આ ડેમની દદમથી હેનાન પ્રાંત અને આજુબાજુના વિસ્તારોના પાંચ કરોડ લોકોને વીજળી પૂરી પડાશે. મહત્વની બાબત એ છે કે હેનાન પ્રાંત ચીની સભ્યતાનું ઉદ્ગમ સ્થળ છે.એવામાં આ પ્રોજેક્ટના નિર્માણ કાર્યની દેખરેખ સીધા પ્રમુખ શી જિનપિંગના કાર્યાલયથી કરાશે.
દુનિયાનો સૌથી મોટો બાંધ ચીનમાં જ છે.આ ડેમનું નામ થ્રી ગોર્જેસ ડેમ છે.ઈન્ટરનેશનલ વોટર પાવર એન્ડ ડેમ કન્સ્ટ્રક્શન મેગેઝીન મુજબ ૨.૩ કિ.મી. લાંબો, ૧૧૫ મીટર પહોળો અને ૧૮૫ મીટર ઊંચો આ ડેમ દુનિયાનો સૌથી મોટો હાઈડ્રોઈલેક્ટ્રિક ડેમ છે.આ ડેમ ચીનના હુબેઈ પ્રાંતમાં યાંગ્ઝી નદી પર બન્યો છે.યાંગ્ઝી નદી દુનિયાની સૌથી લાંબી ત્રીજા ક્રમની નદી છે.તેની લંબાઈ ૬,૦૦૦ કિ.મી.થી વધુ છે.આ ડેમનું નિર્માણ કાર્ય વર્ષ ૧૯૯૪માં શરૂ થયું હતું અને ૨૦૧૨માં પૂરું થયું હતું.તે સમયે વિશાળકાય ડેમ બનાવવામાં અઢી લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો.આ સિવાય ચીન તિબેટથી લઈને ભારત સુધી પવિત્ર માનવામાં આવતી નદી યારલુંગ સાંગ્પો, જે ભારતમાં બ્રહ્મપુત્રાના નામે ઓળખાય છે, તેના પર ૬૦ ગીગાવોટનો મહાકાય ડેમ બનાવવાની પણ તૈયારી કરી રહ્યું છે.સમુદ્રની સપાટીથી અંદાજે ૧૬,૪૦૪ ફૂટની ઊંચાઈ પર પશ્ચિમ તિબેટના હિમશીખરોમાંથી નીકળતી યારલુંગ સાંગ્પો નદી દુનિયાની સૌથી ઊંચી નદી છે.બ્રહ્મપુત્રા હિમાલયના પર્વતોમાંથી નીકળીને પૂર્વોત્તર ભારતના રસ્તે બાંગ્લાદેશ થઈને બંગાળની ખાડીમાં પહોંચે છે.બ્રહ્મપુત્ર નદી ૮૮૫૮ ફૂટ ઘેરી ઘાટી બનાવે છે, જે અમેરિકાના પ્રખ્યાત ગ્રાન્ડ કેન્યોન કરતાં બમણી ઘેરી છે.તિબેટમાં ચીન દ્વારા બનાવાઈ રહેલા ડેમ ભારત, બાંગ્લાદેશ સહિતના દેશો માટે અનેક સમસ્યાઓ લઈને આવશે તેમ નિષ્ણાતોનું માનવું છે.ચીન આ ડેમનો ઉપયોગ ‘વોટર વોર’ તરીકે પણ કરી શકે છે. ચીનના આ ડેમથી ભારત, બાંગ્લાદેશ સહિતના દેશોમાં પાણીની કટોકટી ઊભી થવાની પણ શક્યતા છે.

