અમદાવાદ,તા.08 મે 2022, રવિવાર : પૂર્વ અમદાવાદમાં હાલમાં લગ્નગાળાની સિઝનને લઇને પાર્ટીપ્લોટ હાઉસફૂલ હોવાથી રોડ પર ટ્રાફિકજામની સમસ્યા વકરી છે.નરોડાથી નારોલના નેશનલ હાઇવે ૮ ઉપર અનેક નાના-મોટા પાર્ટીપ્લોટ આવેલા છે જ્યાં પાર્કિંગની પણ સગવળો નથી.જેના કારણે સર્વિસ રોડ પર વાહનો પાર્ક થતા ટ્રાફિકજામ વધ્યો છે.દરેક ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાનો મુકીને ટ્રાફિક નિયમનની કામગીરી અસરકારક બનાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.પૂર્વમાં સરદાર પટેલ રિંગરોડ પર અનેક પાર્ટી પ્લોટ આવેલા છે. હોટલ-રેસ્ટોરન્ટોમાં પણ લગ્નના આયોજન થઇ રહ્યા છે.વરઘોડો નીકળવો, મહેમાનોથી ભરેલી લકઝરીઓ, ખાનગી વાહનોની લાંબી લાઇનો વચ્ચે સર્વિસ રોડ લગભગ વાહનોની અવર-જવર માટે બંધ થઇ જતા હોય છે.જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે, કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાઇને રહેવું પડે છે.વૈશાખ મહિનામાં લગ્નના મુહુર્ત વધારે છે. ત્યારે મોટાભાગના રોડ પર ચક્કાજામ થઇ જાય છે.પાર્ટી પ્લોટ, હોટલ રેસ્ટોરન્ટ વગેરેની આજુબાજુમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસે વધારે ધ્યાન આપવાની જરૂર છે.
ઓઢવ રિંગ રોડ, પાંજરાપોળ ચાર રસ્તા, વસ્ત્રાલ ચાર રસ્તા, રામોલ ચાર રસ્તા, હાથીજણ સર્કલ પર ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસની સંખ્યા વધારવામાં આવે તેવી લોકોની માંગણી છે.નેશનલ હાઇવે ૮ ઉપર કૃષ્ણનગર, ઠક્કરનગર, ખોડિયારનગર, સોનીની ચાલી, રાજેન્દ્ર પાર્ક, સીટીએમ, અમરાઇવાડી, જશોદાનગર, ધોડાસર, ઇસનપુર, નારોલ સહિતના ચાર રસ્તાઓ પર પણ ચક્કાજામના દ્રશ્યો જોવા મળે છે.મોડી સાંજે લગ્નમાં જઇ રહેલા વાહનચાલકોએ પણ મિનિટો સુધી દરેક ચાર રસ્તા પર અટવાયેલા રહેવું પડી રહ્યું છે.લગ્નપ્રસંગે સમયસર તેઓ પણ પહોંચી શકતા નથી.ચક્કાજામની સ્થિતિ કેટલાક ચાર રસ્તાઓ પર તો કલાકો સુધી પણ રહેતી હોય છે.વાહનોની લાંબી લાઇનો, હોર્નનો સતત આવતો કર્કસ અવાજ, ઉડતી ધૂળ, ધુમાડાની સ્થિતિ અને ગરમીમાં બફારા વચ્ચે પરસેવે રેબઝેબ સ્થિતિમાં વાહનાચાલકોએ ટ્રાફિક હળવો થાય ત્યાં સુધીની યાતનાઓ સહન કરવી પડતી હોય છે.ે
હાલમાં ચાલી રહેલી લગ્નસિઝનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન માટે વધારે ધ્યાન આપવું જોઇએ, મોડી રાત સુધી ટ્રાફિક પોલીસને પોઇન્ટ પર ઉભા રાખવા જોઇેએ તેવી માંગણી ઉઠી છે.