અમદાવાદ,રવિવાર,8 મે, 2022 : અમદાવાદના એન.આઈ.ડી.કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થતા ત્રણ દિવસમાં કોરોનાના કુલ ૨૪ કેસ નોંધાતા કેમ્પસમાં શૈક્ષણિક કામગીરી સ્થગિત કરી દેવાઈ છે.ન્યૂ બોયસ હોસ્ટેલ અને સી-બ્લોકના ૧૬૭ રુમના ૧૭૮ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે.ગત મહિને કેમ્પસમાંથી સ્વસ્તિક સોની નામનો વિદ્યાર્થી દીવ ગયો હતો.૪થી મેના રોજ કેમ્પસમાં મુવી શો રખાયો હતો.જે સમયે ભીડ એકઠી થતા કોરોના વિસ્ફોટ થયો છે.તમામ વિદ્યાર્થી એ સિમ્પ્ટોમેટીક અથવા તો કોરોનાના માઈલ્ડ લક્ષણ ધરાવે છે.કોરોના વિસ્ફોટને પગલે મ્યુનિ.એ અમદાવાદ એન.આઈ.ડી.કેમ્પસને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવા નિર્ણય કર્યો છે.૧૮ ફેબુ્રઆરી બાદ શહેરમાં માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ જાહેર કરાયુ છે.
અમદાવાદ એન.આઈ.ડી.કેમ્પસમાં ૬ મેના રોજ કોરોનાનો એક કેસ, ૭ મેના રોજ સાત કેસ તથા ૮મેના રોજ ૧૬ કેસ મળી ત્રણ દિવસમાં કુલ ૨૪ કેસ નોંધાતા કેમ્પસમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.દરમ્યાન રવિવારે મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનર પ્રવિણ ચૌધરી, ડેપ્યુટી હેલ્થ ઓફિસર જી.ટી.મકવાણા મ્યુનિ.ની ટીમ સાથે કેમ્પસમાં પહોંચી ગયા હતા.જયાં કુલ ૧૧૦ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.કોરોનાના કેસ જોવા મળતા એન.આઈ.ડી.કેમ્પસ અમદાવાદના સંચાલકો દ્વારા ગ્રીન ક્રોસ લેબોરેટરીની મદદ લઈ વિદ્યાર્થીઓના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવ્યા હતા.આ ઉપરાંત મ્યુનિ.તરફથી રવિવારે કરવામાં આવેલા ૧૧૦ ટેસ્ટ પૈકી કુલ ૨૪ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યુ છે.
મ્યુનિ.સૂત્રોના કહેવા પ્રમાણે,એપ્રિલ મહિનામાં કેમ્પસમાંથી વિદ્યાર્થી દિવ જઈ આવ્યો હોવાની ટ્રાવેલ હીસ્ટ્રી જાણવા મળી છે.આ ઉપરાંત ૪થી મેના રોજ કેમ્પસમાં એક મુવી શોનું આયોજન કરાયુ હતુ.એ સમયે એકઠી થયેલી ભીડને લઈ કોરોના સ્પ્રેડ થવા પામ્યો છે.હાલની પરિસ્થિતિ જોતા સમગ્ર કેમ્પસને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવો પડે એવી સ્થિતિ હોવાનું સંબંધિત અધિકારીનું કહેવુ હતું.અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા ૧૯ કેસ નોંધાયા હતા.રવિવારે વધુ ૩૪ કેસ નોંધાતા બે દિવસમાં શહેરમાં કુલ ૫૩ કેસ નોંધાયા છે.રવિવારે શહેરમાં કોરોનાથી એક પણ મોત થયુ નથી.ચાર દર્દી સાજા થયા છે.