નાના ચિલોડામાં ૫૫ લાખના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નંખાશે

149

અમદાવાદ,તા.08 મે 2022, રવિવાર : અમદાવાદમાં તાજેતરમાં નવા ભળેલા વિસ્તારોમાં ગટર સહિતની સુવિધાઓ પુરી પાડવા માટે મ્યુનિ.તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે.જેમાં સરદારનગર વોર્ડમાં નાના ચિલોડા વિસ્તારમાં હયાત ડ્રેનેજ લાઇનને અપગ્રેડ કરવા તેમજ નવી નાંખવા માટે ૫૫.૫૩ લાખના ખર્ચવાળા કામને મ્યુનિ.સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે.
નાના ચિલોડા વિસ્તારને મ્યુ નિ.માં ભળ્યા બાદ ત્યાં પાયાની સુવિધા વધારવા માટે મ્યુનિ.તંત્ર દ્વારા કામ હાથ ધરાયું છે.વધતા વિસ્તાર અને વસ્તીમાં વધારો થતા વર્ષો જુની ગ્રામ પંચાયત સમયની ડ્રેનેજ લાઇન પુરતી ન હોવાથી તેને અપગ્રેડ કરવા નવી લાઇન નાંખવા માટે મ્યુનિ.તંત્રે ૮૬.૭૫ લાખના અંદાજીત ભાવને ધ્યાને રાખીને ઇ-ટેન્ડર બહાર પાડયું હતું.
ં ત્રણ કોન્ટ્રાક્ટરોએ ટેન્ડરો ભર્યા હતા.જેમાંથી ઉમિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંદાજીત ભાવ કરતા ૩૫.૯૯ ટકા ઓછા ભાવથી ટેન્ડર ભર્યું હતું તેને મંજુર કરીને કામ અપાયું છે.એટલેકે ૫૫.૫૩ લાખના ખર્ચે આ ગટર લાઇન નંખાશે.નાના ચિલોડા વિસ્તારમાં વારંવાર ગટરો ઉભરાઇ રહી છે.લીકેજ થઇ રહી છે જેના કારણે ગંદકીની સમસ્યા વકરી છે.મ્યુનિ.તંત્રએ હવે શહેરમાં ભળેલા ગામડાઓમાં પાયાની સુવિધા વધારવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.તેને જોતા આગામી સમયમાં ડ્રેનેજને લગતી સમસ્યાઓ ઉકેલ પામશે.

Share Now