મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે આયુર્વેદ પ્રવાહના ૬૫ અનુસ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી હતી.આ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષનો અભ્યાસક્રમ પૂરો તો કર્યો હતો પણ પ્રવેશ નિયમનકારી સત્તાધિકારીએ તેમના પ્રવેશને માન્ય ન કરતા તેમણે અંતિમ પરીક્ષામાં હાજર રહેવાનો ઈન્કાર કર્યો હતો.હાઈ કોર્ટે કોલેજોને પ્રત્યેક વિદ્યાર્થીઓ પાસેથી સ્વીકારવામાં આવેલી વાષક ફી (રૂા. ૨.૧૨ લાખ) પૈકી ૫૦ ટકા ફી પરત કરવાનો અને તેમને ત્રણ વર્ષના નુકસાન માટે પ્રત્યેકને રૂા. ૧ લાખનું એડ-હોક વળતર પણ ત્રણ મહિનામાં ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.
પીજી આયુર્વેદ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અયોગ્ય હોવાના આધાર પર તેમના પ્રવેશને મંજૂર કરવાનો ઇનકાર કરતા રેગ્યુલેટરી ઓથોરિટીના ૩ જુલાઈ, ૨૦૧૯ના આદેશને પડકારીને, ૬૫ વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.અરજદારોએ મહારાષ્ટ્ર યુનિવસટી ઓફ હેલ્થ સાયન્સિસને તેમના પ્રવેશને નિયમિત કરવાની અને તેમને અભ્યાસક્રમ પૂર્ણ કરવા અને માસ્ટર ડિગ્રી મેળવવાની પરવાનગી આપવા માટે દિશાનિર્દેશની માંગ કરી હતી.તેમણે એવી દલીલ કરી હતી કે સામાન્ય પ્રવેશ પ્રક્રિયાના તમામ છ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કોલેજ સ્તરે મોપ-અપ રાઉન્ડમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો.તેમાંથી કેટલાક પીજી આયુર્વેદ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સામાન્ય પ્રવેશ પરીક્ષા માટે પણ હાજર થયા ન હતા અને બાકીના વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષામાં લાયકાત મેળવવામાં નિષ્ફળ ગયા હતા.
જસ્ટિસ એ.એસ. ચાંદુરકર અને જસ્ટિસ જીએ સનપની ડિવિઝન બેન્ચે જો કે વિદ્યાર્થીઓને પ્રવેશ આપનાર ચાર મેડિકલ કોલેજો, સાંગલી જિલ્લા સ્થિત અન્નાસાહેબ ડાંગે મેડિકલ કોલેજ અને લોકનેતે રાજારામબાપુ પાટીલ આયુર્વેદિક મેડિકલ કોલેજ તેમજ કોલ્હાપુર જિલ્લા સ્થિત યશવંત આયુર્વેદિક મહાવિદ્યાલય અને કેદારી રેડેકર આયુર્વેદિક મહાવિદ્યાલયને વિદ્યાર્થીઓના ત્રણ શૈક્ષણિક વર્ષોના નુકશાન માટે જવાબદાર ઠેરવી હતી અને કોલેજોને વિદ્યાર્થીઓ પાસેથી સ્વીકારવામાં આવેલી અડધી વાષક ફી પરત કરવા અને પ્રવેશ નિયમો અને નિયમોના ભંગ કરીને તેમને પ્રવેશ આપવા બદલ એડ-હોક વળતર પેટે, દરેકને રૂા. ૧ લાખ ચૂકવવા નિર્દેશ આપ્યો.
આથક સંકડામણને કારણે તેઓ બેઠકો ખાલી રહેવા દેવા માંગતા ન હોવાથી તેમણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવાના કોલેજો દ્વારા રજૂ કરવામાં આવેલા બહાનાને કોર્ટે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.કોર્ટે કહ્યું કે, ફરજિયાત વૈધાનિક જોગવાઈઓને બાય-પાસ કરવા માટે આ ભાગ્યે જ વાજબી હોઈ શકે છે.જો આવા કારણો સ્વીકારવામાં આવે, તો તેના ગંભીર પરિણામો આવી શકે જેનાથી શિક્ષણના ક્ષેત્રમાં નિર્ધારિત લઘુત્તમ ધોરણોનો અનાદર થશે.