નવી દિલ્હી, તા.૮ : વેસ્ટ ઈન્ડિઝના ધુરંધર બેટ્સમેન અને યુનિવર્સલ બોસ તરીકેની ઓળખ ધરાવતા ક્રિસ ગેલે આઇપીએલની હરાજીમાં નામ ન મોકલવા અંગે ખુલાસો કર્યો છે.ગેલે કહ્યું છ કે, છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલમાં મારી સાથે સન્માનજનક વર્તન થયું નથી.મારું ગૌરવ પણ જળવાયું નથી, જેના કારણે મેં આઇપીએલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો.ટ્વેન્ટી-૨૦ ક્રિકેટના ધુરંધર બેટસમેનોમાં સ્થાન ધરાવતો ગેલ ૪૨ વર્ષનો થઈ ગયો છે.તેણે આઇપીએલની આ વર્ષે યોજાયેલી મેગા હરાજીમાં પોતાનું નામ ન મોકલતા ભારે આશ્ચર્ય ફેલાયું હતુ.જે અંગે તેણે હવે ખુલાસો કર્યો છે.ગેલ કોલકાતા અને બેંગ્લોરની ટીમ તરફથી રમી ચૂક્યો છે અને છેલ્લે તે પંજાબની ટીમમાં સામેલ હતો.વર્ષ ૨૦૧૯ની સિઝનમાં તેનો દેખાવ સારો રહ્યો હતો, પણ ત્યાર બાદ તેને પંજાબની પ્લેઈંગ ઈલેવનમાં પણ નિયમિતપણે સ્થાન અપાતું નહતુ.૨૦૨૦માં તે સાત જ મેચ રમ્યો હતો અને તેમાં તેના ૨૮૮ રન હતા. જ્યારે ગત વર્ષે તે ૧૦ મેચમાં ૧૯૩ રન કરી શક્યો હતો.
ગેલે કહ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મને લાગી રહ્યું છે કે, આઇપીએલમાં મારો આદર જળવાતો નથી. મારી સાથે સન્માનજનક વર્તન થતું નથી.આખરે મેં નક્કી કર્યું કે, ક્રિકેટ અને આઇપીએલ માટે આટઆટલું કર્યા પછી પણ જો મારો આદર ના જળવાતો હોય તો મારે હરાજીમાં ભાગ લેવો જ નથી.ક્રિકેટ પછી પણ મારી એક જિંદગી છે અને એટલે જ હું પરિસ્થિતિને સહજતાથી સ્વીકારવાની કોશીશ કરી રહ્યો છું.