વડોદરા,તા. 9 મે 2022,સોમવાર : વડોદરા શહેરની ગાજરાવાડી પાણી ની ટાંકી ખાતે એલ. ટી. પેનલ બોર્ડ બદલવાની કામગીરીને કારણે ગાજરાવાડી પાણીની ટાંકીના વિવિધ વિસ્તારોમાં તારીખ 10 અને 11 ના રોજ પીવાના પાણીનો કકળાટ સર્જાશે. જેમાં બે લાખ લોકોને અસર થશે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગાજરાવાડી પાણીની ટાંકી ખાતે જુના એલટી પેનલ બોર્ડના સ્થાને નવા એલટી પેનલ બોર્ડ બેસાડવાની કામગીરી તારીખ 10મી મેના રોજ સવારના સમયના પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવનાર છે આ કામગીરી બે દિવસ સુધી ચાલશે.
ગાજરાવાડી પાણીની ટાંકી ખાતે પેનલ બોર્ડ બદલવાની કામગીરીને લીધે ગાજરાવાડી પાણીની ટાંકીના વિસ્તારમાં તારીખ 10 મી ના રોજ સાંજના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમજ તારીખ 11મી ના રોજ સવારના ત્રણ ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં એટલું જ નહીં તારીખ 11મીએ બપોર બાદ કામગીરી પૂર્ણ થયેથી સાંજના સમયમાં જે વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવે છે તે વિલંબથી અને ઓછા સમય હળવા દબાણથી આપવામાં આવશે.પાણી પુરવઠા વિભાગ દ્વારા આ કામગીરીને લીધે ગાજરાવાડી પાણીની ટાંકીના પ્રતાપ નગર વાડી, વાઘોડિયા રોડનો કેટલોક વિસ્તાર ડભોઇ રોડ વિસ્તારની સોસાયટીના બે લાખ લોકોને બે દિવસ પૂરતું પાણી મળશે નહીં.