વડોદરા, : હરણી એરપોર્ટ પર દારૃના નશામાં ધમાલ કરનાર યુવકને હરણી પોલીસે પકડી પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગઇકાલે બપોરે પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ આવ્યો હતો કે,એરપોર્ટ ટર્મિનલ ઓફિસની બહાર એક વ્યક્તિ દારૃ પીને ધમાલ કરે છે.તે કોલના આધારે હરણી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસે પંચો સમક્ષ તે વ્યક્તિને પકડી પૂછપરછ કરતા તેનું નામ રાહુલ અનિલકુમાર પોરવાલ (રહે.હવેલી રેસિડેન્સી, એરફોર્સ સ્ટેશનની પાછળ, મકરપુરા) હોવાનું જાણવા મળ્યું હતું.રાહુલે દારૃનો નશો કર્યો હોવાનું જાણવા મળતા હરણી પોલીસે તેની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી હતી કે,રાહુલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.અને તેણે દિલ્હી જવાનું હોઇ તે ફ્લાઇટમાં બેસવા માટે હરણી એરપોર્ટ આવ્યો હતો.