સુરત, તા. 23 માર્ચ 2020 સોમવાર
જીવલેણ કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવેલા સુરત શહેરમાં તાપી નદી પરના તમામ બ્રિજ આવશ્યક સેવાઓને બાદ કરતા સામાન્ય લોકોની અવરજવર માટે બંધ કરવા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉદ્ભવી છે. જેના પરિણામે પોલીસ સતત દોડી રહી છે.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાયરસ ધીમે-ધીમે તેનો પંજો પ્રસરાવી રહ્યો છે. અત્યંત ચેપી ગણાતા કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ જનતા કર્ફ્યુનું આહવાન કર્યુ હતું અને સમગ્ર શહેર તેમાં જોડાયું હતું.
જો કે જનતા કર્ફ્યુના દિવસે જ કોરોનાગ્રસ્ત એક વૃધ્ધ દર્દીનું મોત થતા તકેદારીના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 25 સુધી સુરતને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી અને માત્ર ને માત્ર આવશયક સેવાઓ ચાલુ રહેશે. તેવો નિર્ણય જાહેર કર્યો હતો. જેથી શહેરીજનોને આગામી ત્રણ દિવસ સુધી ઘરમાં રહેવા તાકીદ કરી હતી પરંતુ તેમ છતા પણ રસ્તા પર નજરે પડી રહ્યા છે.
બીજી તરફ મનપા કમિશ્નર અને પોલીસ કમિશ્નર દ્વારા સંયુક્ત પણે તાપી નદી પરના શહેરના તમામ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરી દીધા હતા અને માત્રને માત્ર આવશ્યક સેવા માટે ચાલુ રાખવામાં આવ્યા હતા. આટલી ગંભીર પરિસ્થિતીમાં પણ લોકો વાહનો લઇને નીકળી પડતા તાપી નદી પરના સરદાર બ્રિજ, કેબલ સ્ટેઇડ બ્રિજ, વિવેકાનંદ બ્રિજ, નેહરૂ બ્રિજ, જીલાની બ્રિજ, ડભોલી બ્રિજ, સવજી કોરાટ બ્રિજ, વિયર કમ ક્રોઝવે, મોટા વરાછા બ્રિજ, અમરોલી બ્રિજ સહિતના મોટા ભાગના બ્રિજના બંન્ને છેડે ટ્રાફિક જામની સાથે બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મીઓ સાથે લોકોએ ઘર્ષણ કર્યુ હતું.
વાહનો લઇ નીકળેલા લોકોએ પોતે આવશ્યક સેવા સાથે સંકળાયેલા હોવાની દલીલો કરી બ્રિજ પરથી પસાર થવાની જીદ કરતા પોલીસે પરસેવો પાડવો પડયો હતો. પરિણામ સ્વરૂપ મનપા કમિશ્નર બંછાનિધી પાની અને પોલીસ કમિશ્નર આર.પી. બ્રહ્મભટ્ટે પણ રસ્તા આવવું પડ્યું હતું અને લોકોને ઘરમાં જ રહેવા માટે સમજાવવાની ફરજ પડી હતી.