કીવ, તા. 09 મે 2022, સોમવાર : અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્ની જિલ બાઈડન રવિવારે અચાનક પશ્ચિમી યુક્રેન પહોંચ્યા હતા.ત્યાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના પત્ની ઓલેના ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.જિલે ઓલેનાને કહ્યું કે, હું મધર્સ ડે પર અહીં આવવા ઈચ્છતી હતી.મને લાગ્યું કે, યુક્રેનના લોકોને એ બતાવવું જોઈએ કે, અમેરિકાના લોકો તેમની સાથે છે.બંનેની મુલાકાત યુક્રેન સરહદ પાસે સ્લોવાકિયાના ગામમાં સ્થિત એક સ્કૂલમાં થઈ હતી.બંનેએ એક નાના રૂમમાં બેસીને એક-બીજા સાથે વાત કરી હતી.ઝિલ 2 કલાક સુધી યુક્રેનમાં રહ્યા હતા.ઓલેનાએ આ સાહસિક પગલું ઉઠાવવા બદલ જિલનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, અમે સમજી શકીએ છીએ કે, યુદ્ધ દરમિયાન અમેરીકાના પ્રથમ મહિલાનું અહીં આવવું કેટલું મહત્વપૂર્ણ છે.તેઓ અહીં એવા સમયે આવ્યા છે જ્યારે રોજ સૈન્ય હુમલા થઈ રહ્યા છે.
આ અગાઉ માર્ચમાં પોલેન્ડની યાત્રા દરમિયાન જો બાઈડને કહ્યું હતું કે, તેઓ આ વાતને લઈને હતાશ છે કે, તેઓ પરિસ્થિતિને પોતાની આંખોથી જોવા માટે યુક્રેન નથી જઈ શક્યા કારણ કે, સુરક્ષાના કારણોસર તેમને આવું કરવાની મંજૂરી નથી.તાજેતરમાં જ વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ યુક્રેન જવા ઈચ્છે છે પરંતુ હાલ તેની કોઈ યોજના નથી.
કોઈપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના યુક્રેન પહોંચેલા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વિનાશ પામેલા ઈરપિન શહેરની મુલાકાત લીધી હતી.યુક્રેનના મીડિયા સંસ્થા અને ઈરપિનના મેયર ઓલેક્જેન્દ્ર માર્કુશિને આ જાણકારી આપી છે.જોકે, કેનેડાના અધિકારીઓએ ટ્રૂડોની યાત્રા વિશે હજુ કોઈ ટિપ્પણી નથી કરી.યુક્રેન સાથે એકતા દર્શાવવા માટે પશ્ચિમી દેશોના નેતાઓની મુલાકાત અંતર્ગત ટ્રૂડો આ યાત્રા પર આવ્યા હતા.


