ભાવનગર : એશિયાના સૌથી મોટા વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ માટે તાજેતરમાં એક ફટકારૂપ નિર્ણય આવ્યો હતો.અલંગ શિપ યાર્ડના ૧૦થી ૧૨ જેટલા પ્લોટધારકોએ યુરોપિયન યુનિયનના સભ્ય બનવા માટે અરજી કરી હતી.જેને ઈ.યુ. (યુરોપિયન યુનિયને) નકારી દીધી છે.ઈ.યુ. અને ઈન્ડિયાના કાયદા તેમજ માંગણી મુજબની જરૂરિયાતના પ્રશ્ને ઈ.યુ.ના સભ્ય બનવામાં બાધા નાંખી હતી.શિપ કટિંગ માટે વિશ્વમાં બીજા નંબરનું ગણાતું અલંગ શિપ યાર્ડ આધુનિકરણના માર્ગે આગળ વધી રહ્યું છે.ત્રણેક વર્ષ પહેલા જહાજવાડામાં હોંગકોંગ કન્વેન્શન કાયદાની અમલવારી કરાઈ હતી.જે મુજબ એશિયામાં એચકેસીના નિયમ મુજબ સૌથી વધુ પ્લોટ કાર્યરત હોય તેવું અલંગ એક માત્ર યાર્ડ છે.હવે યુરોપીયન યુનિયનના માપદંડ મુજબ અલંગમાં જહાજ ભાંગવાનું કામ કરવા માટે શિપબ્રેકરો આગળ વધી રહ્યા છે.વિશ્વભરના જહાજો અલંગમાં આવે તે માટે ઈ.યુ.ના સભ્ય બનવા માટે થોડા સમય પૂર્વે અલંગના પ્લોટધારકોએ અરજી કરી હતી.પરંતુ યુરોપિયન યુનિયને આ તમામ અરજીને મંજૂરીની મહોર ન મારી માન્યતા આપી નથી. આ અંગે શિપ રિસાયકલીંગ એસો. (ઈન્ડિયા)ના જોઈન્ટ સેક્રેટરી હરેશભાઈ પરમારે વિગતો આપી હતી કે, અલંગના ૧૦થી ૧૨ પ્લોટને ઈ.યુ.માં સમાવવા માટે અરજી કરવામાં આવી હતી.પરંતુ ઈ.યુ.ના માપદંઠ-કાયદાકીય અડચણ તેમજ સભ્ય બનવા માટે માંગણી મુજબની જે જરૂરિયાતો હોવા જોઈએ તે અલંગમાં હાલ થઈ શકે તેમ ન હોવાથી એકાદ સપ્તાહ પૂર્વે યુરોપિયન યુનિયને સભ્ય બનવા માટે આવેલી તમામ અરજીઓને નામંજૂર કરી દીધી હતી.જો અલંગને હરણફાળ વિકાસ તરફ આગળ વધતું જોવું હોય તો આપણા કાયદામાં ઘણો જ ફેરફાર કરવો જોઈએ તેમ વધુમાં ઉમેર્યું હતું.
યુરોપિયન યુનિયનના સભ્ય બનવાથી અલંગમાં હાલની સ્થિતિથી વધુ સંખ્યામાં જહાજ આવી શકે તેમ છે.આ ઉપરાંત જહાજની ખરીદી પણ સસ્તી બની શકે તેમ છે.જો વિશ્વભરના શિપ અલંગમાં ભંગાવા આવે તો રોજગારીની વિપુલ તકો ઉભી થાય, સરકારને પણ ટેક્સમાં ધરખમ વધારો થઈ શકે તેમ છે.જેથી યુરોપિયન યુનિયનના માપદંડ સાથે તાલ મેળવવા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવે તેવું શિપબ્રેકરો ઈચ્છી રહ્યા છે.