રાજકોટ, : રાશનકાર્ડ ધારક પરિવારોને સરકાર દ્વારા અપાતા કેરોસીનમાં આ મહિને વધુ 2.55 રૂપિયાનો ભાવવધારો ઝીંકી દેવામાં આવતાં પ્રતિ લિટર ભાવ હવે 83 રૂપિયા આસપાસ પહોંચી ગયા છે.છેલ્લા ચાર મહિનાનો જ ભાવવધારો 20 રૂપિયા જેવો થાય છે.આ સ્થિતિમાં હવે રાંધવા માટે રસોડે ચુલો પણ કેમ કરીને પેટાવવો એ પ્રશ્ન ગરીબોને વધુ સતાવવા લાગ્યો છે.
પેટ્રોલ અને ડીઝલની જેમ વાદળી કેરોસીનનાં ભાવ પણ હવે દર મહિને બદલતા (આમ તો વધારવા જ) રહેવા ઓઈલ કંપનીઓને છૂટ મળી ગઈ હોવાથી હજુ ગયા વર્ષે લિટરદીઠ જે ભાવ 43 રૂપિયા આસપાસ હતા તે હવે જુદા- જુદા તાલુકાઓમાં 82 થી 84રૂપિયા વચ્ચે પહોંચ્યા છે.તેમાં ગત ફેબુ્રઆરીનો 7 રૂપિયા જેવો, માર્ચમાં અંદાજે છ રૂપિયા અને આ મહિને 2,55 રૂપિયાનો વધારો સમાવિષ્ટ છે.
કહેવાતા સબસીડાઈઝ રેઈટવાળા કેરોસીનની ફાળવણી પણ સરકાર સમયાંતરે ઘટાડતી રહી છે.રાજકોટ શહેર- જિલ્લા માટે હજુ સાત મહિના પહંલાં જ ઘટેલી ફાળવણી ૨૪૦ કિલોલિટર જેવી હતી તે હવે ઔર ઘટાડા સાથે આ મહિને ૧૨૮ કિલોલિટર રહી ગઈ છે.આનું એક કારણ એ છે કે રાજકોટ શહેરમાં રાંધણગેસ વિનાના સેંકડો પરિવારોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસજોડાણ આપી દેવામાં આવ્યા હોવાનાં બહાને રાજકોટ શહેરને કેરોસીન- ફ્રી જાહેર કરી દેવાયું છે.વાસ્તવમાં, હજુ અનેક પરિવારોને ગેસજોડાણ મળ્યા જ નથી, અને જેમને કનેક્શન ફ્રી મળી પણ ગયું તેમને હવે બાટલા ખરીદવા પરવડતા નથી કેમ કે ગેસ સીલિન્ડર પણ ભારે મોંઘા બનાવી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે હાલ વાહન ચલાવવા માટેનું ડીઝલ 99 રૂપિયે પહોંચી ગયું છે, તો ચુલા પેટાવવા માટેનું કેરોસીન પણ 83 રૂપિયા ભાવનું ખરીદવું પડે છે, જે જોઈને લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આમાં સબસીડી જેવું કશું ક્યાં રહ્યું? રાશનનું કેરોસીન વિતરિત કરતા ડિલરોની સંખ્યા એક તબક્કે સૌરાષ્ટ્રમાં 35 હતી, જે હવે 10રહી ગઈ છે અને તેમાંના કેટલાંકને તો અમુક મહિને કેરોસીન ફાળવાતું જ નથી કારણ કે એકંદર ફાળવણી જ ઘટી ગઈ છે.આ સંજોગોમાં હવે એક- એક ડીલરે એક- એક ટેન્કરમાંથી સાત-આઠ સ્થળે કેરોસીન પહોંચાડવું પડે છે, જેમાં તેમને ખાસ કોઈ નફો બચતો નથી એવી તેમની નારાજગી છે.


