સુરત,તા. 10 મે 2022, મંગળવાર : સુરતના કાપડ બજારમાં કરોડોની છેતરપિંડી કરી વેપારીઓના પૈસે ગોવાના જેક ડેલટીન કસીનોમાં મજા માણતા એક મહિના અગાઉ ઝડપાયેલા મહાઠગ પંકજ સચદેવા વિરુદ્ધ રૂ.7.72 લાખની ઠગાઈની વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સાત વેપારીઓ સાથે રૂ.3.93 કરોડની છેતરપિંડી કરી સારોલી રાજ ટેક્ષટાઇલ માર્કેટમાં પેઢી બંધ કરી ઉઠમણું કરી ફરાર વેપારી પંકજ રમેશ સચદેવા ( ઉ.વ.41, રહે.403, વિનસ એપાર્ટમેન્ટ, રાજહંસ કેમ્પસ, રાજહંસ મલ્ટીપ્લેક્ષની સામે, પાલ, અડાજણ, સુરત અને બ્લોક નં.2, કોઠી નં.219, પશ્ચિમ વિહાર, દિલ્હી ) ને સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગોવાના જેક ડેલટીન કસીનોમાંથી ગત 13 એપ્રિલના રોજ ઝડપી લીધો હતો.જેક ડેલટીન કસીનોમાં વીઆઇપી મેમ્બર પંકજ જુગાર રમવા માટે ફરીદાબાદથી ફ્લાઇટમાં ગોવા દર પંદર દિવસે જઈ ચાર-પાંચ દિવસ રોકાતો હતો અને કરોડોની છેતરપિંડી કરી મેળવેલા વેપારીઓના પૈસે જલસા કરતો હતો.
દરમિયાન, મહાઠગ પંકજ સચદેવા વિરુદ્ધ ગતરોજ છેતરપિંડીની વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી. મૂળ હરિયાણા રોહતકના વતની અને સુરતમાં સિટીલાઇટ અશોક પાન હાઉસ પાસે આશીયાના ફ્લેટ નં.એ-102 માં રહેતા તેમજ રીંગરોડ ન્યુ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા 61 વર્ષીય વેપારી મહેશભાઇ બીરબલભાઇ ચાવલા અને તેમના પરિવારના સભ્યોની અલગ અલગ દુકાનોમાંથી રૂ.4,47,495 નું ડ્રેસ મટીરીયલ ખરીદી તેમજ તેમના મિત્ર જીતેન્દ્રભાઇ બારોટની સુંદરમ ફેશન્સ નામની દુકાનમાંથી રૂ.3,24,720 ની સાડી અને લહેંગાનું કાપડ ખરીદી કુલ રૂ.7,72,215 નો માલ ખરીદી પેમેન્ટ કર્યા વિના પંકજ સચદેવાએ ઉઠમણું કર્યું હતું.આ અંગે મહેશભાઈએ ગતરોજ ફરિયાદ નોંધાવી હતી.


