સુરત,તા. 9 મે 2022,સોમવાર : કોરોના બાદ વેડિંગ સેક્ટરમાં અનેક પ્રકારના બદલાવ આવ્યાં છે.જેમાં કંકોત્રીથી લઈને ફૂડ અને ડેકોરેશનમાં વિવિધતા જોવા મળી છે.ત્યારે કોરોનાના સમયમાં ડિજિટલ કંકોત્રીઓનું ચલણ વધ્યું છે.એટલું જ નહીં વેડિંગ એડ્રેસને શોધવામાં પડતી મુશ્કેલીઓને કારણે હવે ડિજિટલ કંકોત્રીમાં ગુગલ મેપ લોકેશન પણ આપવામાં આવી રહ્યું છે.જે હાલ ટ્રેન્ડમાં છે.
કોરોનાને કારણે દરેક ક્ષેત્રમાં ડીજીટલાઇઝેશન વધ્યું છે.જેમાં વેડિંગ સેક્ટર પણ બાકાત નથી તેમાં પણ ખાસ કરીને જો કંકોત્રી ની વાત કરવામાં આવે તો હાલ ડીજીટલ કંકોત્રી લોકો પ્રીફર કરી રહ્યા છે.લોકો હવે માત્ર કંકોત્રી લખવાની વિધિ માટે ગણતરીની કંકોત્રીઓ પ્રિન્ટ કરાવે છે જ્યારે મોટાભાગની કંકોત્રી લોકો ડિજિટલ કરી રહ્યા છે.ડિજિટલ કંકોત્રી પર્સનલાઇઝ ફીલ સાથે સમયનો પણ બચાવ કરતી હોવાથી તેમજ કોસ્ટ ઈફેએક્ટિવ હોવાથી આ ઇન્વિટેશન કાર્ડ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.જેમાં હવે થ્રીડી કંકોત્રીની સાથે ગુગલમેપના ઉપયોગ વાળી કંકોત્રી પણ જોવા મળી રહી છે.એટલે કે જ્યારે સરનામાં અલગ હોય તે સમયે સરનામાંને લઈને થતી ગૂંચવણ નિવારવા માટે હવે ડિજિટલ કંકોત્રીઓમાં ગુગલ મેપના લોકેશનનની હાઈપરલિંક પણ મૂકવામાં આવી રહી છે.
આ અંગે બ્રિજેશભાઈએ કહ્યું કે, અલગ-અલગ એડ્રેસ પ્રમાણે અલગ હાઇપરલિંક જનરેટ કરીને ડિજિટલ કંકોત્રીમાં સેટ કરવામાં આવે છે.તેની પર સિંગલ ક્લિક કરતાની સાથે જ ગુગલ મેપમાં લોકેશન એક્ટિવ થઈ જાય છે અને મહેમાનો સમયસર પ્રસંગમાં હાજરી આપી શકે છે અને એડ્રેસ શોધવામાં થોડી સરળતા રહે છે.


