નવી મુંબઈ, તા.૧૧ : મિચેલ માર્શે ઓલરાઉન્ડ દેખાવ કરતાં બે વિકેટ ઝડપ્યા બાદ ૬૨ બોલમાં ૭ છગ્ગા અને પાંચ ચોગ્ગા સાથે ૮૯ રન ફટકારતાં દિલ્હીએ રાજસ્થાન સામે ૧૧ બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી જીત હાંસલ કરી હતી.માર્શ અને વોર્નરે ૧૦૧ બોલમાં ૧૪૪ રનની ભાગીદારી કરતાં દિલ્હીની જીતને આસાન બનાવી હતી.જીતવા માટેના ૧૬૧ના ટાર્ગેટને દિલ્હીએ ૧૮.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.વોર્નર ૪૧ બોલમાં ૫૨ રન નોટઆઉટ રહ્યો હતો.જીતવા માટેના ૧૬૧ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા દિલ્હીએ પહેલી જ ઓવરમાં ભરતની વિકેટ શૂન્ય પર ગુમાવી હતી. જોકે માર્શ અને વોર્નરે બાજી પલ્ટી નાંખી હતી. માર્શને અમ્પાયરના છબરડાને કારણે જીવતદાન મળ્યું હતુ.
અગાઉ આર.અશ્વિને તેની ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભાનો ચમકારો દેખાડતા ૩૮ બોલમાં ૫૦ તેમજ પડિક્કલના ૩૦ બોલમાં ૪૮ રન ફટકારતાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સ સામે છ વિકેટે ૧૬૦ રન કર્યા હતા.ચેતન સાકરિયા, મિચેલ માર્શ અને નોર્ટ્જેએ ૨-૨ વિકેટ ઝડપી હતી.રાજસ્થાનના બેટ્સમેનોએ ધીમી શરૃઆત કરી હતી.જોકે આખરી ઓવરોમાં આક્રમક બેટિંગ કરતાં ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડયો હતો.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતે ટોસ જીતીને પ્રથમ રાજસ્થાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. બટલર માત્ર ૭ રને ચેતન સાકરિયાનો શિકાર બન્યો હતો. રાજસ્થાને અશ્વિનને વનડાઉન ઉતારીને આશ્ચર્ય સર્જ્યું હતુ.અશ્વિને ૩૮ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૦ રન નોંધાવ્યા હતા.તેણે જયસ્વાલ (૧૯) સાથે ૪૩ રન જોડયા હતા.જ્યારે અશ્વિન અને પડિક્કલ (૩૦ બોલમાં ૪૮ રન)ની વચ્ચે ૫૩ રનની ભાગીદારી કરી હતી.રાજસ્થાને છેલ્લી ૯ ઓવરમાં ૮૮ રન ફટકાર્યા હતા. ચેતન સાકરિયા, નોર્ટ્જે અને મિચેલ માર્શે ૨-૨ વિકેટ ઝડપી હતી.