ક્લેવલેન્ડ, તા.૧૧ : ટેનિસની લેજન્ડરી મહિલા ખેલાડી ક્રિસ એવર્ટ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની સામે સંઘર્ષ કરી રહ્યા છે અને તેમને કીમોથેરાપીના છ સેશન પુરા કર્યા હતા. ૧૮ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા ક્રિસ એવર્ટને જાન્યુઆરીમાં અંડાશયનું સ્ટેજ વન કેન્સર હોવાનું નિદાન થયું હતુ. જે પછી તેમની સારવાર શરૃ થઈ હતી.એવર્ટે સોશિયલ મીડિયામાં વિડિયો શેર કરીને આ અંગે તેમના ચાહકોના માહિતી આપી હતી.
ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એવર્ટની કીમોથેરાપીના સેશન પુરા થઈ ગયા છે.તેમણે સોશિયલ મીડિયામાં શેયર કરેલી પોસ્ટમાં તેઓ આરોગ્યકર્મીઓનો આભાર માનતા જોવા મળ્યા હતા.૬૭ વર્ષના એવર્ટની સારવાર ઓહાયોના ક્લેવલેન્ડ ખાતે કરવામાં આવી હતી.તેઓએ હોસ્પિટલમાંથી વિદાય લેતા પહેલાનો વિડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો.
નોંધપાત્ર છે કે, એવર્ટની નાની બહેન જેન્ને એવર્ટ ડયુબીનનું આ જ બીમારીના કારણે વર્ષ ૨૦૨૦માં અવસાન થયું હતુ.એવર્ટની સારવાર કરનારા સર્જન ર્ડો. જોયલ કાર્ડેનાસે કહ્યું કે, મોટાભાગના ઓવારિયન (અંડાશય) કેન્સરનું છેક ત્રીજા કે ચોથા સ્ટેજમાં જ નિદાન થાય છે.જોકે એવર્ટનાં કિસ્સામાં આ કેન્સરનું નિદાન વહેલું થઈ ગયું હતુ અને કીમોથેરાપીનો હકારાત્મક પ્રતિભાવ પણ મળ્યો હતો.