। નવી દિલ્હી ।
દેશમાં કોરોનાનો ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના સંક્રમિતનાં ૪૩૯ કેસ નોંધાયા છે જ્યારે ૯નાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૦થી વધુ કેસ બહાર આવ્યા છે. કુલ ૨૩ રાજ્યોમાં કોરોનાનો પગપેસારો થયો છે. તેને અટકાવવા માટે પાંચ રાજ્યો દ્વારા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે મધરાતથી જ કર્ફ્યુ અમલી બનાવી દેવાયો હતો.
મહારાષ્ટ્રમાં સંક્રમણ પછી સાજા થનાર ફિલિપાઇન્સનાં ૬૮ વર્ષનાં નાગરિકનું મોત થતાં મૃત્યુઆંક ૯ થયો છે. અગાઉ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બંગાળમાં ૫૭ વર્ષનાં એક વૃદ્ધનું મોત થયું છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈમાં ૨, બંગાળ, પટના અને સુરતમાં એક -એકનાં મોત થયા છે. મહારાષ્ટ્ર, પંજાબ અને પુડ્ડુચેરીમાં લોકો દ્વારા લોકડાઉનનો ભંગ કરવામાં આવતા આખરે ૩૧ માર્ચ સુધી કરફ્યૂ લાદવાની ફરજ પડી છે. કરફ્યૂ લાદનાર પંજાબ દેશનું પહેલું રાજ્ય છે.
હિમાચલપ્રદેશ અને મણિપુરમાં પણ લોકડાઉન કરાયું છે. દિલ્હી અને મુંબઈ સહિત દેશનાં ૩૦ રાજ્યોમાં તાળાબંધી જાહેર કરાઈ છે. આમ દેશની ૬૦ કરોડ વસતી ઘરમાં કેદ થઈ ગઈ છે. લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવા કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યા છે. જે લોકો લોકડાઉનનો ભંગ કરે તેને ૬ મહિનાની જેલની સજા થઈ શકે છે. મંગળવારે રાત્રે ૧૨ પછી આખા દેશમાં તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ બંધ કરવા નિર્ણય લેવાયો છે.
મહારાષ્ટ્રમાં કરફ્યૂ : તમામ જિલ્લાની સરહદો સીલ : સ્થિતિ ગંભીર
મહારાષ્ટ્રમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે. તમામ જિલ્લાની સરહદો સીલ કરાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ નવા કેસ સામે આવ્યા છે. જેમાં મુંબઈમાં ૧૪ અને પૂણેમાં ૧ કેસ બહાર આવ્યા છે. કુલ કેસ વધીને ૮૯ થયા છે. તમામ સ્કૂલો, કોલેજો, મંદિરો, ઓફિસો બંધ કરાઈ છે. લોકલ ટ્રેનો અને પેસેન્જર ટ્રેનો બંધ છે. હાઈકોર્ટમાં ૨ કલાક અને જિલ્લો કોર્ટોમાં ૩ કલાક જ કામ થાય છે.

