મુંબઈ : ‘મને માત્ર તબલાની ભાષા બોલતા આવડે છે.દેશની સૌથી જૂની યુનિવર્સિટી દ્વારા મળેલી આ માનદ્ ડિગ્રી એ મારા જીવનની સર્વોચ્ચ પદવી છે.હું વિશ્વનો સર્વોત્તમ તબલાવાદક નથી પરંતુ કેટલાંક સારા તબલાવાદકોમાંનો એક છું.’એમ આજે મુંબઈ યુનિવર્સિટીની માનદ્ પદવી સ્વીકારતાં વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક ઝાકીર હુસૈને જણાવ્યું હતું.મુંબઈ યુનિવર્સિટીનો વિશેષ દિક્ષાન્ત સમારોહ આજે સવારે ૧૧ વાગ્યે યુનિવર્સિટીના ફોર્ટ સ્થિત સર કાવસજી જહાંગીર દિક્ષાન્ત સભાગૃહમાં યોજાયો હતો.જેમાં આજે સુપ્રસિદ્ધ તબલાવાદક પદ્મભૂષણ ઝાકીર હુસૈનને ડૉક્ટર ઓફ લૉ (એલ.એલ.ડી.) અને ઉદ્યોજક શશિકાંત ગરવારેને ડૉક્ટર ઓફ લિટરેચર (ડી.લિટ.) ની માનદ્ ડિગ્રી આપવામાં આવી હતી.આજે યોજાયેલ વિશેષ દિક્ષાન્ત સમારોહમાં રાજ્યના રાજ્યપાલ તેમજ યુનિવર્સિટીના કુલપતિ ભગતસિંહ કોશિયારીના હસ્તે માન્યવરોને ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ તેમજ તંત્ર શિક્ષણમંત્રી ઉદય સામંત પણ ઉપસ્થિત રહ્યા હતા.
માત્ર ૧૨ વર્ષની વયથી તબલાવાદન ક્ષેત્રે પોતાની કારકિર્દી શરુ કરનાર ઝાકીર હુસૈનની પ્રસિદ્ધિ અત્યારે આખા વિશ્વમાં ફેલાયેલી છે.આજે તેમની ઉપસ્થિતિ એ આ દિક્ષાંત સમારંભનું મુખ્ય આકર્ષણ હતું.પદવી સ્વીકાર કરતી વખતે તેમણે મરાઠી ભાષામાં શરુઆત કરી ઉપસ્થિતોના મન જીત્યા હતા.તેમણે કહ્યું, પંડિત શિવકુમાર શર્માના નિધનનું દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, તેઓ તેમના ગુરુસ્થાને હતા.ે તબિયતની અસ્વસ્થતાને કારણે શશિકાંત ગરવારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા નહોતા.પરંતુ તેમના વતી તેમની મોટી દિકરીએ પદવી સ્વીકારી હતી.
દિનાનાથ મંગેશકર સંગીત કૉલેજ ૨૮ સપ્ટેમ્બરથી શરુ થશે.પદવી પ્રદાનના અવસરે ઉપસ્થિત રાજ્યના ઉચ્ચ તંત્ર શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ૨૮ સપ્ટેમ્બરના રોજ ભારતરત્ન લતા મંગેશકરના જયંતિદિવસથી મુંબઈમાં આંતરરાષ્ટ્રીય દરજ્જાની દિનાનાથ મંગેશકર સંગીત કૉલેજ શરુ થશે.તે પ્રસંગે રાજ્યપાલ સહિત અનેક માન્યવરો ઉપસ્થિત રહેશે.આ કૉલેજનો અભ્યાસક્રમ નક્કી કરવા માટે ઝાકીર હુસૈન, શંકર મહાદેવન, ઉષા મંગેશકર જેવા માન્યવરો કમિટીમાં કાર્યરત છે.