ભારતીય મેન્સ બેડમિંટન ટીમે ઈતિહાસ રચ્યો : થોમસ કપમાં સૌપ્રથમ મેડલ નિશ્ચિત

154

બેંગકોક, તા.૧૨ : ભારતીય મેન્સ બેડમિંટન ટીમે મલેશિયા સામેની થોમસ કપની ક્વાર્ટર ફાઈનલમાં ૩-૨થી રોમાંચક વિજય મેળવતા ઈતિહાસ રચી દીધો છે.ભારતે સેમિ ફાઈનલમાં પ્રવેશવાની સાથે થોમસ કપના ઈતિહાસમાં સૌપ્રથમ વખત મેડલ નિશ્ચિત કરી લીધો છે.હવે સેમિ ફાઈનલમાં ભારત સાઉથ કોરિયા કે ડેનમાર્ક સામે ટકરાશે.

મલેશિયાના ઝી જીયા લી સામે ભારતના યુવા ખેલાડી લક્ષ્ય સેનનો ૨૧-૨૩, ૯-૨૧થી પરાજય થયો હતો. જોકે સાત્વિક-ચિરાગની જોડીએ ગોહ-ઈઝ્ઝુદીનની જોડીને ૨૧-૧૯, ૨૧-૧૫થી હરાવતા ભારતની આશા જીવંત રાખી હતી.કિદામ્બી શ્રીકાંતે ૨૧-૧૧, ૨૧-૧૭થી ત્ઝે યોંગ એન્ગને હરાવતા ભારતને ૨-૧થી સરસાઈ અપાવી હતી.જોકે મલેશિયાના એરોન ચિયા-ઈ યી ઓએ ૨૧-૧૯, ૨૧-૧૭થી ભારતના ક્રિશ્નપ્રસાદ-વિષ્ણુવર્ધનને હરાવતા બંને ટીમો ૨-૨થી બરોબરી પર આવી ગઈ હતી.આખરે એચ.એસ. પ્રનોયે નિર્ણાયક અને આખરી સિંગલ્સમાં મલેશિયાના જુન હાઓ લેઓંગને ૨૧-૧૩, ૨૧-૮થી હરાવતા ભારતને ઐતિહાસિક સફળતા અપાવી હતી.

અગાઉ ભારતીય મહિલા બેડમિંટન ટીમનો થાઈલેન્ડ સામેની ક્વાર્ટર ફાઈનલમાં ૦-૩થી નાલેશીભર્યો પરાજય થયો હતો. આ સાથે ભારત ઉબેર કપમાંથી બહાર ફેંકાયું હતુ. સિંધુ થાઈલેન્ડની ઈન્થાનોન સામે ૨૧-૧૮, ૧૭-૨૧, ૧૨-૨૧થી હારી ગઈ હતી.જે પછી.શ્રુતિ- સિમરન થાઈલેન્ડની જોન્ગકોલ્ફાન-રાવિન્દા સામ૧૬-૨૧, ૧૩-૨૧થી અને આકાર્ષી કશ્યપ પણ થાઈલેન્ડની ચોચુવાંગ સામે ૧૬-૨૧, ૧૧-૨૧ થી હારતા ભારત બહાર ફેંકાયું હતુ.થાઈલેન્ડે આ સાથે ૩-૦થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.જે પછી બાકીની બે ઔપચારિક મેચ રમાઈ નહતી.

Share Now