એકબાજુ ભારતીય રેલવેએ ભાવુક અપીલ કરતાં લોકોને કહ્યું છે કે રેલવે કયારેય યુદ્ધનાસમયમાં પણ થોભ્યું નથી, પરિસ્થિતિઓની ગંભીરતાને સમજો અને ઘરમાં જ રહો, ત્યાં બીજીબાજુ દુનિયાભરના લોકો પણ ટ્વિટર દ્વારા કંઇક આવી જ અપીલ કરી રહ્યા છે. તો બીજીબાજુ ટ્વિટર પર #StayHomeIndia અને #StayAtHomeSaveLives જેવા હેશટેગ પણ ટ્રેન્ડ કરવા લાગ્યા છે. તેમાં ભારત સહિત દુનિયાભરમાંથી લોકો દરેકને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે.
રેલવે મંત્રાલયની તરફથી ટ્વીટ કરી લખ્યું કે ભારતીય રેલવે કયારેય યુદ્ધકાળમાં પણ થોભી નહોતી. કૃપ્યા પરિસ્થિતિઓની ગંભીરતાને સમજો. તમારા ઘરમાં જ રહો.એર સર્વિસીસ, મેટ્રો અને બસ સર્વિસ પણ બંધ
આપને જણાવી દઇએ કે માત્ર રેલવે સર્વિસ જ નહીં પરંતુ દેશના અલગ-અલગ શહેરોમાં ચાલતી મેટ્રોને પણ બંધ કરી દેવાઇ છે. દિલ્હી, નોઇડા, કોલકત્તા, બેંગલુરૂ, મુંબઇ, કોચ્ચી, નાગપુર સહિત અન્ય મેટ્રોની સર્વિસીસને 31મી માર્ચ સુધી બંધ કરાઇ છે.
આ સિવાય મંગળવાર મોડી રાતથી દેશમાં સ્થાનિક એર સર્વિસ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આની પહેલાં જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો અને વિદેશી યાત્રીઓના ભારત આવવા પર પ્રતિબંધ મૂકી ચૂકયા છે.
કેટલીય રાજ્ય સરકારો એ કોરોના વાયરસના વધતા ખતરાને જોતા આંતરરાજય બસ સર્વિસને રોકી છે. કેટલાંક રાજ્યોએ પોતાના ક્ષેત્રમાં જ ચાલતી બસ સર્વિસીસને પણ બંધ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા 500ની આસપાસ પહોંચી ગઇ છે.