સહારાના માલિક સુબ્રતોની ધરપકડના પટણા હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમનો સ્ટે

153

સહારા ઈન્ડિયાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો પટના હાઇકોર્ટે આદેશ આપ્યો હતો, તેની સામેે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે.પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના ચેરમેન સુબ્રતો રોયને સમન્સ આપવા છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.તેની સામે સહારા ગુ્રપના માલિકે સુપ્રીમમાં રાહત માટે અરજી કરી હતી.સુપ્રીમે અરજીને માન્ય રાખી હતી.

પટણા હાઈકોર્ટે સુનાવણી દરમિયાન હાજર ન રહીને કોર્ટનો અનાદર કરવાના મુદ્દે સહારાના માલિક સુબ્રતો રોયની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.જોકે, સુપ્રીમે એ આદેશ સામે સ્ટે મૂકી દીધો હતો. અગાઉ પટણા હાઈકોર્ટના આદેશ મુજબ ધરપકડ વોરંટ ૩ રાજ્યોના પોલીસ વડાઓને મોકલવામાં આવ્યું હતું, જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના પોલીસ વડાઓને ૧૬મી મે પહેલાં ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવાનો આદેશ અપાયો હતો.ઉલ્લેખનીય છે કે પટના હાઈકોર્ટે ૧૩ મેના રોજ સુબ્રતો રોય સંબંધિત કેસની સુનાવણી માટે ફિઝિકલ કોર્ટ હિયરિંગ રાખી હતી.આમ છતાં સુબ્રત રોય સહારા કોર્ટમાં હાજર થયા નહોતા થયા.કોરોના ગાઈડલાઈન્સ હેઠળ માત્ર વર્ચ્યુઅલ સુનાવણી થઈ રહી હતી, પરંતુ આ મામલામાં શુક્રવારે ફિઝિકલી સુનાવણી થઈ હતી.આદેશ છતાં કોર્ટમાં હાજર ન થવા બદલ પટના હાઈકોર્ટે સહારા ગ્રુપના વડા સુબ્રત રોય સામે કડક વલણ અપનાવ્યું હતું.

સહારા ઇન્ડિયાની વિવિધ સ્કીમ-યોજનાઓમાં રોકાણ કરનારા લોકોએ આરોપ મૂક્યો કે પાકતી મુદત વીતી ગયા બાદ પણ કંપનીએ તેમને પૈસા પરત કર્યા નથી.પટના હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા ખંડપીઠે સુબ્રત રોયને હાજર રહેવા અને કંપની રોકાણકારોને પૈસા કેવી રીતે પરત કરશે તે જણાવવા જણાવ્યું હતું.જોકે કોઇ જવાબ ન મળતા કોર્ટે સખ્તી અપનાવી હતી.સહારા સામેના અન્ય એક કેસમાં અસરકારક કાર્યવાહી કરીને છત્તીસગઢ પોલીસે સહારા ઈન્ડિયા કોઓપરેટિવ કંપનીના ચાર ડિરેક્ટરોની ધરપકડ કરી છે. રાજનાદગાંવની પોલીસે લખનૌમાં સહારાના હેડકવાર્ટરમાંથી આ ચારેય અધિકારીઓની ધરપકડ કરી હતી.છત્તીસગઢની પોલીસે રોકાણકારોને કરોડો રૃપિયાનો ચૂનો લગાવ્યાના આરોપમાં કાર્યવાહી કરી હતી.આ રોકાણકારોના પૈસા પરત ન કરવાના મામલામાં છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લાની પોલીસે સહારાના માલિક સુબ્રત રાય સહિત સહકારી કંપનીઓના ડિરેક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.એ પછી રાજનાંદગાંવ પોલીસ લખનૌ પહોંચી અને એસએમ સહાય, ખાલિદ ચૌધરી અને પ્રદીપ શ્રીવાસ્તવ સાથે લાલજી વર્માની ધરપકડ કરી.

Share Now