જ્ઞાનવાપી મુદ્દે અમારે ફાઈલ જોવી પડશે, સરવે પર સ્ટે આપવા સુપ્રીમનો ઈનકાર

126

નવી દિલ્હી : જ્ઞાનવાપી મસ્જિદના સરવે પર તાત્કાલિક સ્ટે મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.જોકે, આ સંબંધમાં અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે સંમતિ વ્યક્ત કરી છે અને પાછળથી તેની સુનાવણી કરાશે.અંજુમન ઈંતજામિયા મસ્જિદ સમિતિ તરફથી દાખલ અરજી અંગે મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે કહ્યું કે, આ કેસમાં અમને કોઈ માહિતી નથી. એવામાં અમે તાત્કાલિક કોઈ આદેશ આપી શકીએ નહીં.

વારાણસી સિવિલ કોર્ટે જ્ઞાાનવાપી મસ્જિદના સંપૂર્ણ પરિસરનો ૧૭મી સુધીમાં વીડિયોગ્રાફી સરવે કરવાનો આદેશ આપ્યો છે તથા આ સરવે શનિવારથી શરૂ થવાની શક્યતા છે ત્યારે જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટે વારાણસી કોર્ટના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. મસ્જિદ મેનેજમેન્ટના વકીલે જણાવ્યું કે, સિવિલ કોર્ટે ગુરુવારે આપેલો ચૂકાદો અંતિમ નથી.અમે તેને હાઈકોર્ટમાં પડકારી શકીએ છીએ.બીજીબાજુ આ કેસમાં સરવે પર તાત્કાલિક સ્ટે આપવાનો ઈનકાર કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અમે આ કેસને લિસ્ટિંગ કરી શકીએ છીએા.અમારે આ કેસ સંબંધિત ફાઈલો વાંચવી પડશે.તેના અભ્યાસ પછી જ કોઈ આદેશ આપી શકાય છે.ઈંતઝામિયા સમિતિ તરફથી વકીલ હુજેફા અહમદીએ સુપ્રીમ સમક્ષ વારાણસી કોર્ટના મસ્જિદના સરવેના આદેશ પર તાત્કાલિક સ્ટે મૂકવા માગણી કરી હતી.વારાણસી કોર્ટે ૧૭મી મે સુધીમાં સરવેની પ્રક્રિયા પૂરી કરી કોર્ટને રિપોર્ટ સોંપવા કહ્યું છે.

કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત જ્ઞાાનવાપી મસ્જિદ અંગે હિન્દુ પક્ષનો દાવો છે કે તેની અંદર હિન્દુ દેવ-દેવીઓની પ્રતિમાઓ છે.આ સિવાય શ્રૂંગાર ગૌરીની દૈનિક પૂજા કરવાની મંજૂરી આપવા પણ માગણી કરાઈ છે.આ સંદર્ભમાં કોર્ટે જ્ઞાાનવાપી મસ્જિદનો સરવે કરવા અને વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલ અહેમદીએ કહ્યું, વારાણસીની સંપત્તિ અંગે સરવેનો આદેશ અપાયો છે. આ સંપત્તિ ઉપાસનાના સ્થળોના કાયદા હેઠળ આવે છે.કોર્ટે તેના સરવે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી છે.દરમિયાન જ્ઞાાનવાપી મસ્જિદમાં સરવે પર તાત્કાલિક સ્ટે આપવાના સુપ્રીમના ઈનકાર પછી વારાણસીમાં સરવે શરૂ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.આ સરવે શનિવારથી જ શરૂ થઈ જશે. આ સમયમાં સ્થળ પર શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તંત્રે શુક્રવારે બંને પક્ષના લોકો સાથે બેઠક કરી હતી.આ બેઠક પછી ડીએમ કૌશલ રાજ શર્માએ જણાવ્યું કે, શનિવારથી એડવોકેટ કોર્ટ ઓફ કમિશનર દ્વારા કમીશનની કાર્યવાહી શરૂ થશે.સરવે અંગે બંને પક્ષો સાથે વાત થઈ છે.આકરી સલામતી વ્યવસ્થા વચ્ચે જ્ઞાાનવાપી મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો શુક્રવારની નમાજ પઢવા માટે એકત્ર થયા હતા.

વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદના સરવે પછી શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસ સતત વકરી રહ્યો છે.અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજદાર મનીષ યાદવે કોર્ટ કમિશનર મારફત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં ઈદગાહ મસ્જિદનો સરવે કરાવવાની માગણી કરી છે.મથુરા કોર્ટે અરજી સ્વીકારી લીધી છે અને હવે કેસની સુનાવણી ૧લી જુલાઈએ થશે.હકીકતમાં અરજદાર મનીષ યાદવ, મહેન્દ્ર પ્રતાપ સિંહ અને દિનેશ શર્માએ અલગ અલગ પ્રકારની અરજીઓ કરી હતી, જેમાં કોર્ટ કમિશનર નિયુક્ત કરીને ઈદગાહ મસ્જિદની વીડિયોગ્રાફી કરાવવાની માગ કરાઈ હતી.મનીષ યાદવના વકીલ દેવકીનંદન શર્માનું કહેવું છે કે, ઈદગાહની અંદર જે શિલાલેખ છે, તેને મુસ્લિમો હટાવી શકે છે અને પુરાવાનો નાશ થઈ શકે છે.બંને પક્ષોની હાજરીમાં ત્યાં ફોટોગ્રાફી કરાવવામાં આવે અને બધા જ પુરાવા એકત્ર કરવામાં આવે.

Share Now