અમદાવાદ,તા.13 મે 2022, શુક્રવાર : અમદાવાદ રેલવે સ્ટેશન રોડ પર આખો દિવસ ટ્રાફિકજામ રહે છે, ખાસ કરીને રાત્રે તો કાલુપુરથી સારંગપુર સુધીનો આખો રોડ વાહનોની લાંબી કતારથી ભરચક રહેતો હોય છે.ઇમરજન્સી સેવા ૧૦૮, એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ગાડીઓ માટે તો આ રોડ ક્રોસ કરવો સૌથી મુશ્કેલ છે.આ રોજિંદુ દ્રશ્ય છે.ટ્રાફિક નિયમનનો અભાવ, રિક્ષાઓનું ગેરકાયદે પાર્કિંગ, લારી-ગલ્લાના દબાણ, સ્ટેશનની અંદર-બહાર જતા આવતા વાહનોની ભારે અવર-જવર સહિતના કારણોસર આ રોડ વાહનચાલકો માટે મુસીબતરૂપ પુરવાર થઇ રહ્યો છે.
અમદાવાદ રેલવે સ્ટેશને રોજ ૧૦૦થી વધુ ટ્રેનોની અવર-જવર રહેતી હોય છે.૨ લાખ મુસાફરોની ચહલપહલ જોવા મળે છે.તેવામાં આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન પ્રત્યે પુરતું અને ૨૪ કલાક માટે ધ્યાન રાખવું જરૂરી હોવા છતાંય આજદીન સુધી ગંભીરતાથી વિચારાયું ન હોવાથી ચક્કજામ આ રોડનો પર્યાય બની ગયો છે.સારંગપુરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીનાં પટ્ટામાં રોજ સાંજે વાહનોની લાંબી લાઇન લાગી જતી હોય છે.કાચબાની ગતિએ વાહનો આગળ વધતા રહેતા હોય છે.આ સ્થિતિમાં સારંગપુર સર્કલ પર પણ ટ્રાફિક અવરોધાઇ જતા રાયપુર અને રખિયાલ તરફના વાહનો પણ રોડ પર ફસાઇ પડે છે.સાંજે તો સારંગપુરથી રાયપુર સર્કલ સુધી લાંબી વાહનોની લાઇન જોવા મળે છે.સારંગપુર બ્રિજ પણ ચક્કાજામમાં અટવાય છે.
વાહનચાલકોનો મત છેકે ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે હાલ પુરતા તો ટ્રાફિક પોલીસના જવાનોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે.રોડ પરથી રિક્ષાઓના ગેરકાયદે પાર્કિંગ, લારી-ગલ્લાના દબાણો, આડેધડ પાર્ક થયેલા વાહનો દુર કરવાની જરૂરિયાત છે.રોડ પર ગટરને લગતી ચાલતી કામગીરી પણ યુદ્ધના ધોરણે આટોપી લેવી જોઇએ.હાલમાં ગટર લાઇનના કામને લીધે રોડ પર માલસામાન પડયો હોવાથી હાલાકી વધી છે.રેલવે સ્ટેશનની અંદર તેમજ બહાર જતા વાહનોને પ્રાથમિકતા આપીને તેઓ માટે રસ્તો ખુલ્લો કરવો જોઇએ.રોડ ક્રોસ કરતા મુસાફરો પણ ટ્રાફિકજામને લઇને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.સ્ટેશનની બહાર નીકળવાના રસ્તા પર ઉભેલી રિક્ષાઓ, ટેક્સીઓને ત્યાંથી દુર ખસેડવી જોઇએ તેવી માંગણી ઉઠી છે.
Tags :
Ahmedabad-news