વારાણસી : ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ વધી રહ્યો છે.કોર્ટે આ મસ્જિદના સરવેની છૂટ આપી દીધી હતી, જે બાદ વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર મોટા ભાગના વિસ્તારની વીડિયોગ્રાફી કરી લેવામાં આવી છે.અત્યાર સુધી મસ્જિદ કમિટી દ્વારા વીડિયોગ્રાફીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જોકે અંતે કોર્ટના કડક આદેશનું પાલન કરાયું હતું.
મસ્જિદની તિજોરી બાદ ઉપરના ઢાંચાની પણ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી.જ્યારે આ પહેલા શનિવારે સર્વે દરમિયાન મળેલા નિશાનોના આધારે હિન્દૂ પક્ષે કહ્યું છે કે અમારો પક્ષ વધુ મજબુત થયો છે.હિન્દૂ પક્ષના વકીલ હરિશંકર જૈને કહ્યું હતું કે અમે જે પણ દાવો કરી રહ્યા હતા તે જ પ્રકારના પુરાવા મળી રહ્યા છે.હરિશંકરે જણાવ્યું હતુું કે સર્વે દરમિયાન જે પણ કઇ મળી રહ્યું છે તે અમારા પક્ષમાં છે, હવે સોમવારે પણ સર્વેની કામગીરી ચાલુ રાખવામાં આવશે. રવિવારે સવારે ૮થી ૧૨ વાગ્યા સુધી ચાર કલાક સર્વેની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન પશ્ચિમી દિવાલ, નમાઝ સ્થળ સહિતના કેટલાક સ્થળોએ ફરી વીડિયોગ્રાફી કરવામાં આવી હતી.
જ્યારે એક રૂમમાં પાણી અને કાટમાળ હોવાથી સર્વેની કામગીરી નહોતી થઇ શકી.જેને પગલે સોમવારે સવારે દોઢથી બે કલાક સુધી સર્વેની કામગીરી કરાવવામાં આવશે. જ્ઞાાનવાપી મસ્જિદના અત્યાર સુધીના સર્વે દરમિયાન દિવાલો પર ત્રિશૂલ અને સ્વસ્તિકના નિશાન જોવા મળ્યા હતા.જ્યારે અંદર મગરમચ્છની મુર્તી પણ હતી.જ્ઞાાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક આવેલી છે.સ્થાનિક કોર્ટ મહિલાઓના એક સમૂહ દ્વારા મસ્જિદની દિવાલો પર દૈનિક દર્શન અને પ્રાર્થનાની અનુમતીની માગણી કરી હતી જેની કોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે.