પટના, તા. 15 મે 2022, રવિવાર : આપણાં ઘરે દરરોજ સવારે ફેરિયાભાઈ આવીને ચૂપચાપ સમાચારપત્ર નાખીને જતા રહેતા હોય છે.જોકે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ચાર રસ્તાઓ જેવા જાહેર સ્થળોએ તેઓ બૂમો પાડીને અખબાર ખરીદવા માટે લોકોનું ધ્યાન ખેંચતા રહેતા હોય છે.પરંતુ સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં અખબાર વેચનારા ભાઈનો ખતરનાક અને આગવો અંદાજ સૌ કોઈને આશ્ચર્યચકિત કરવાની સાથે છાપું વાંચવા માટે પ્રેરણા આપે તેવો છે.વાયરલ વીડિયોમાં એક ભાઈ ટ્રેનમાં શાયરાના અંદાજમાં છાપા વેચતા જોવા મળી રહ્યા છે.તેઓ શબ્દોના અલંકારનો ઉપયોગ કરવાની સાથે વ્યાકરણની ટ્રીક્સ શીખવી રહ્યા છે અને લોકોને જાગૃત કરીને પેપર વાંચવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
તેઓ કહી રહ્યા છે કે, સમાચારપત્ર તમને સમજદાર બનાવશે, તમારી લાગણીઓને શબ્દોનું રૂપ આપવાની, બોલવાની કળા શીખવશે.ટ્રેનની બોગીમાં હાથમાં પેપર લઈને વેચી રહેલા આ ભાઈનું નામ જીત પ્રસાદ છે અને તેઓ બિહારમાં પટના જિલ્લાના ખગૌલના રહેવાસી છે.તેઓ દરરોજ પટનાથી ઉપડતી ટ્રેનમાં અખબાર વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.તેમના કહેવા પ્રમાણે છાપા વેચવાની તેમની પોતાની અનોખી સ્ટાઈલ છે.તેઓ દરરોજ પોતાની સ્ટાઈલ અને બોડી લેન્ગવેજ દ્વારા અખબાર વેચે છે.તેમના મતે જે દેખાય છે તે જ વેચાય છે.