અમદાવાદ,રવિવાર,15 મે,2022 : અમદાવાદમાં રખડતા કૂતરાથી શહેરીજનો ભયભીત થઈ રહ્યા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા કૂતરાને પકડી તેનું ખસીકરણ કરવા વિવિધ સંસ્થાઓને કામગીરી સોંપી છે.દસ વર્ષમાં રખડતા કૂતરાંના ખસીકરણ પાછળ ૧૭ કરોડથી વધુની રકમ તંત્રે ચૂકવી છે.આમ છતાં દર મહિને કૂતરાં કરડવાનાં પાંચ હજાર બનાવ બને છે.તંત્રની નિષ્ફળ કામગીરીને લઈ મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને પણ સંબંધિત અધિકારીનો ઉધડો લીધો હતો.
એ.બી.સી.ડોગ રુલ્સ-૨૦૦૧ના નિયમ મુજબ,અમદાવાદમાં સ્વૈચ્છીક સંસ્થાઓને રખડતા કૂતરાંને પકડી તેના ખસીકરણની કામગીરી સોંપવામાં આવી છે.દસ વર્ષમાં ૨.૭૦ લાખ કૂતરાંના ખસીકરણ પાછળ ૧૭ કરોડથી વધુ રકમ ખર્ચ કરાઈ છે.સ્ટેન્ડીંગ કમિટીએ એક વર્ષ અગાઉ એક કૂતરાં દીઠ ખસીકરણની કામગીરી જે સંસ્થાઓને સોંપવામાં આવી છે એને ૯૩૦ રુપિયા ચૂકવવાનો નિર્ણય કર્યો હતો.આ રકમમાં કૂતરાંના ખસીકરણ ઉપરાંત તેને રાખવા ઉપરાંત ખવડાવવા અને સારવાર સહિતની કામગીરીનો સમાવેશ કરાયો છે.
અમદાવાદમાં વર્ષ-૨૦૨૧માં રખડતા કૂતરાં કરડવાના ૪૬૩૨૨ બનાવ બનવા પામ્યા હતા.લોકડાઉનના સમયમાં ૧૨ હજાર લોકોને રખડતા કૂતરાં કરડયા હતા.કૂતરાં કરડયા બાદ હડકવા ના લાગે એ માટે એ.આર.વી. નામનું ઈન્જેકશન આપવામાં આવે છે.શહેરમાં રખડતા કૂતરાંના ત્રાસના કારણે રસ્તાઓ ઉપર લટાર મારવા નહી જવા અંગેની ટીપ્પણી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે થોડા સમય પહેલા કરી હતી.
મ્યુનિ.ની દર અઠવાડીયે મળતી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક દરમ્યાન પણ શહેરમાં રખડતા કૂતરાંની વધતી ફરિયાદોને લઈ ગંભીર ચર્ચા થઈ હતી.રખડતા પશુઓ અને કૂતરાંને લઈ કયાં કેટલી કામગીરી કરવામાં આવી એ અંગે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને ઢોરત્રાસ અંકુશ નિવારણ વિભાગના અધિકારી પાસે માહિતી માંગી હતી.બેઠકમાં રજૂ કરવામાં આવેલી માહિતીથી સંતોષ ના થતા આ અધિકારીનો ઉધડો લેતા ત્યાં સુધી કહેવામાં આવ્યુ હતુ કે,તમારો વિભાગ કરે છે શું? તમારી પાસે દર વખતે વિગત માંગીએ છે પણ રજૂ કરાતી વિગતની સામે ફરિયાદો વધી રહી છે એના માટે તમારુ શું આયોજન છે?