ચેક બાઉન્સના કેસોના નિકાલ માટે ગુજરાત સહિત 5 રાજ્યોમાં સ્પે. કોર્ટ સ્થાપોઃ સુપ્રીમ

256

નવી િદલ્હી : ચેક બાઉન્સના અનેક પેન્ડિંગ કેસોના નિકાલ માટે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે.દેશની સર્વોચ્ચ અદાલતે આવા કેસોના ઝડપી નિકાલ માટે પહેલી સપ્ટેમ્બરથી ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં નિવૃત જજ સાથે સ્પેશિયલ કોર્ટની રચના કરવાનો ગુરુવારે આદેશ આપ્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ મહારાષ્ટ્ર,દિલ્હી,ગુજરાત,ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવશે.આ રાજયોમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ કેસ હોવાથી કોર્ટે આ આદેશ આપ્યો છે.સુપ્રીમની ખંડપીઠે જણાવ્યું હતું કે અમે નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરી છે.તે પહેલી સપ્ટેમ્બર 2022થી ચાલુ થશે.આ કોર્ટના સેક્રેટરી જનરલ આ પાંચ રાજ્યોની હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ આદેશની કોપી સીધી સુપરત કરશે.હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે તાકીદના પગલાં તરીકે આ આદેશની કોપી ચીફ જસ્ટિસ સમક્ષ રાખવી પડશે.
ચેક બાઉન્સના કેસ ઊંચા છે તેવા પાંચ રાજ્યોના પાંચ જીલ્લાની પસંદગી કરવી જોઇએ અને આવા એક જિલ્લામાં સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવી જોઇએ તેવા કોર્ટના સલાહકારની સૂચનો પણ સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં સમાવેશ કર્યો છે.સુપીમે તેના આદેશના પાલન અંગે 21 જુલાઈ 2022 સુધી એફિડેટિવ દાખલ કરવા આદેશ આપ્યો છે.સુપ્રીમ કોર્ટે અગાઉ પણ આવા કેસના ઝડપી નિકાલ માટે આ નિર્દેશો જારી કર્યા હતા અને સ્ટેટસ રીપોર્ટ સુપરત કરવા તમામ હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલને તાકીદ કરી હતી.ચેક બાઉન્સના જંગી પેન્ડિંગ કેસની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે માર્ચ 2020માં આવા કેસોના ઝડપી નિકાલ માટે સૂચના આપ્યા હતા.ચેકબાઉન્સના પેન્ડિંગ કેસની સંખ્યા 31 ડિસેમ્બર 2019ના રોજ 35.16 લાખ હતી.

Share Now