કોરોનાની સ્થિતિ વચ્ચે લોકોને રાહત આપવાના બદલે SMCએ ઓનલાઈન વેરો ભરવાનું કહ્યું

318

રાજ્યમાં કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે. રાજ્યમાં કુલ કોરોના વાઈરસના પોઝિટિવ 33 કેસ નોંધાયા છે. 33 પોઝિટિવ કેસમાં સુરતના 7 છે અને તેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને છ વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે.

કોરોના વાયરસના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની મદદથી શહેરની કેટલીક જગ્યાઓ પર દવાનો છંટકાવ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ શહેરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે પોલીસ દ્વારા લોકોને રસ્તા પરક કામ વગર નીકળવાની મનાઇ કરવામાં આવી છે.

જે લોકો રસ્તા પર કામ વગર નીકળી રહ્યા તે લોકોને પોલીસ દ્વારા હાથમાં હું સમાજનો દુશ્મન છું તેવા લખાણો બેનર પકડાવીને ફોટો પાડવામાં આવે છે અને કેટલીક જગ્યાઓ પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવાની ફરજ પડે છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ સામે સુરતના લોકોને રાહત આપવાના બદલે તેમની પાસેથી વેરાની વસુલાત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.સુરત મહાનગરપાલિકાના ફેસબુક પેજ પર એક પોસ્ટ અપલોડ કરવામાં આવી છે અને તે પોસ્ટમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે, ‘આથી સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિસ્તારના કરદાતાઓને જણાવવાનું કે, હાલની કોરોના (COVID-19) વાઈરસની પરિસ્થિતિને ધ્યાને લઈ તમામ પ્રકારના મિલ્કતવેરા તથા વ્યવસાયવેરા ઓનલાઈન ભરપાઈ કરવા વિનંતી છે.
સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in માં લોગઈન કરી ઈ-પેમેન્ટ કરી શકશો.’

સુરત મહાનગરપાલિકાની ફેસબુક પેજ પર આ પ્રકારનું લખાણ જોઈને સુરતીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. કેટલાક લોકોએ SMCની આ પોસ્ટ પર કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રોપર્ટી ટેક્સ ન લેવો જોઈએ.

Share Now