રાજે અયોધ્યાપ્રવાસ શું કામ મોકૂફ રાખ્યો?

132

મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ પાંચમી જૂનની તેમની અયોધ્યાની મુલાકાત હાલ મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત કરતાં પુણેમાં યોજાનારી આગામી સભામાં તેઓ આ વિશેની વિગતો આપશે એમ જણાવ્યું હતું.જોકે,આધારભૂત સૂત્રોએ કહ્યું હતું કે‘એમએનએસના નેતાને પગમાં તકલીફ થઈ હોવાથી એની સર્જરી કરાવવી જરૂરી છે અને એ આ મહિનાના અંતમાં કરાવવામાં આવે એવી શક્યતા છે.આ જ કારણ સર તેમણે પોતાનો અયોધ્યાપ્રવાસ હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાંથી બીજેપીના સંસદસભ્ય બ્રિજ ભૂષણ શરણ સિંહે રાજ ઠાકરે જ્યાં સુધી ભૂતકાળમાં ઉત્તર ભારતીયોનું અપમાન કરવા બદલ માફી નહીં માગે ત્યાં સુધી તેમને અયોધ્યામાં પ્રવેશવા નહીં દેવાય એવી ચેતવણી આપી હતી.એમએનએસના પ્રમુખે ટ્વીટ કરી હતી કે ‘અયોધ્યાની મુલાકાત હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ૨૨ મેએ પુણેમાં યોજાનારી સભામાં એ વિશેની વિગતો આપવામાં આવશે.’રાજ ઠાકરેની તબિયત સારી ન હોવાના અહેવાલો દરમિયાન પ્રવાસમોકૂફીના સમાચાર સામે આવ્યા હતા.આ અંગે એમએનએસના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું કે પ્રવાસ રદ કરવા પાછળનું કારણ જાણવા લોકોએ રવિવાર સુધી રાહ જોવી જોઈએ.એમએનએસના અન્ય એક નેતા બાળા નાંદગાંવકરે એમએનએસના પ્રમુખની તબિયત અંગે પ્રશ્ન પુછાતાં‘આરોગ્ય એ અંગત બાબત છે’એવો જવાબ આપ્યો હતો.દરમિયાન,શિવસેનાના નેતા સંજય રાઉતે આ માટે રાજકીય કારણ જવાબદાર હોઈ શકે એવી શક્યતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે‘અયોધ્યાના લોકોએ રાજ ઠાકરેની મુલાકાતનો વિરોધ કર્યો છે અને બીજેપીના સંસદસભ્ય બ્રિજ ભૂષણ શરણ સિંહ પ્રવાસ સામે વિરોધ નોંધાવીને ઉત્તર પ્રદેશના લોકોનો રોષ સપાટી પર લાવ્યા છે.હું રાજ ઠાકરેના સારા આરોગ્ય માટે ભગવાન રામને પ્રાર્થના કરું છું.પ્રવાસનો ઘણો પ્રચાર કરાયો હતો અને હવે રદ કરાયો છે.કોઈ રાજકીય કારણ હોવું જોઈએ.બીજેપી એની‘ગરજ સરી ને વૈદ વેરી’ની નીતિ માટે જાણીતું છે.૨૫ વર્ષના અનુભવ પછી શિવસેના એમાંથી બહાર આવી ગઈ છે.’

Share Now