અમદાવાદ : શહેરમાં ચોમાસાનાં આગમનનાં ભણકારા વાગી રહ્યાં છે તેમ છતાં મ્યુનિ.દ્વારા રોડ રિસરફેસ અને નવા રોડ બનાવવાની કામગીરી પૂરી થઇ શકી નથી,તેને ગંભીરતાથી લઇ મ્યુનિ.શાસક ભાજપે ઇજનેર અધિકારીઓને રાતદિવસ કામ કરાવીને પણ રોડ રિસરફેસનાં મહત્તમ કામો કરાવવાની તાકીદ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.પ્રાપ્ત માહિતી અનુસાર,કોરોના મહામારી,મ્યુનિ.ની કફોડી નાણાંકીય સ્થિતિ, વૈશ્વિક મંદી અને યુધ્ધની સ્થિતિથી ડામરની તંગી સહિતનાં અનેક કારણોસર શહેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી રોડ રિસરફેસની કામગીરી ધાર્યા મુજબ અને લોકોને સંતોષ થાય તેવી થતી નથી.શહેરના અમુક રસ્તાને બાદ કરતાં મોટાભાગનાં રોડ એકધાર્યા ખાડા વગરનાં સપાટ-સ્મુધ હોય તેવુ અનુભવાતુ નથી.કેટલાય રસ્તા તો વર્ષોથી રિસરફેસ જ થયા નથી.તેમ છતાં દર વર્ષે મ્યુનિ.બજેટમાં નવા રોડ બનાવવા અને જુના રોડ રિસરફેસ કરવા પાછળ કરોડો રૂપિયાની જોગવાઇ કરવામાં આવે છે.ગત નાણાંકીય વર્ષનાં બજેટની જોગવાઇ અને લક્ષ્યાંક મુજબ રોડ રિસરફેસની કામગીરીમાં વિવિધ અડચણો આવતાં રોડનાં કામો થઇ શક્યા નથી,જયારે નવા બજેટનાં કામો તો હજુ હાથ ઉપર લેવાય તેવી સ્થિતિ નથી.બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતાં દેશનાં જુદા જુદા રાજ્યોમાં વરસાદનુ આગમન થઇ ગયુ છે અને ગુજરાતમાં પણ ઝાપટા પડી જાય તેવી આગાહીને જોતાં શહેરમાં રોડ રિસરફેસની કામગીરી ૧૦૦ ટકા થાય તેવી શક્યતા લાગતી નથી.તેમ છતાં શાસક ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીમાં રોડ રિસરફેસના મામલે નાગરિકોનાં સવાલોનો અને વિરોધપક્ષનાં આક્ષેપોનો સામનો ન કરવો પડે તે માટે વરસાદની મોસમ શરૂ થાય તે પહેલાં રિસરફેસનાં મહત્તમ કામો કરાવવા મથામણ આદરવામાં આવી છે.જેના ભાગરૂપે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન મહાદેવ દેસાઇએ રોડ પ્રોજેકટ અને સાતેય ઝોનનાં એડિશનલ ઇજનેર અધિકારીઓ સાથે બેઠક યોજીને રોડ રિસરફેસનાં કેટલા કામો થયાં અને કેટલા બાકી છે તેમજ ડામર સહિતનાં મટીરીયલની શું સ્થિતિ છે વગેરે ચિતાર મેળવીને ૧૫મી જુન સુધીમાં રોડનાં કોન્ટ્રાકટરો પાસે રાતદિવસ કરાવીને લોકોની આંખે ચઢે તે રીતે રિસરફેસનાં કામો કરાવવાની તાકીદ કરી હતી.
જોકે મ્યુનિ.ઇજનેર ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર,રાતદિવસ કામ થાય તેમ શક્ય નથી,તદઉપરાંત રોડનાં એટલા બધા કામ બાકી છે કે,કોન્ટ્રાકટરો ગમે તેટલી મશીનરી કામે લગાડે તો પણ ૧૦૦ નહિ પણ ૭૫ ટકા લક્ષ્યાંક હાંસલ થાય તેમ નથી.બીજી બાજુ સામાન્ય રીતે ૧૫-૧૮મી જુન પછી ચોમાસુ બેસી જવાની શક્યતાને જોતાં કોન્ટ્રાકટરો પણ મટીરીયલનો એટલો જથ્થો રાખતા નથી.વરસાદની મોસમ શરૂ થાય એટલે શ્રમજીવીઓ પણ વતનમાં જતા રહેતા હોય છે.
ઇજનેર ખાતાનાં સૂત્રોએ તો ત્યાં સુધી ક્હયું કે,અગાઉ આવી રીતે રોડ રિસરફેસ કરાવવામાં આવ્યા અને તેનુ પરિણામ અધિકારીઓ ભોગવી રહ્યાં છે તેથી હવે કોઇ વરસાદી જોખમ લેવા માંગતા નથી.તેમાંય જો ચોમાસાનાં સત્તાવાર આગમન પહેલાં પણ વરસાદ પડી જશે તો રિસરફેસની કામગીરી ઉપર અસર થશે તે નિશ્ચિત છે.


