નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસની મુલાકાતે રવિવારે રવાના થયા હતા.તેઓ ત્યાં ક્વોડ નેતાઓની સમિટમાં હાજરી આપશે.ઈન્ડો-પેસિફિક રિજનના દેશોનું વર્ચસ્વ વધે અને તેમને લગતા વિષયો પર ચર્ચા માટે ક્વોડ દેશોના નેતાઓ મીટિંગ કરશે.જાપાન રવાના થતા પહેલાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ સમિટમાં ચાર સભ્ય દેશોના નેતાઓ માટે ક્વોડની વિવિધ પહેલમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા માટેનો અવસર મળશે.ટોક્યોમાં ક્વોડની મીટિંગમાં પીએમ મોદી 24મીએ અમેરિકાના પ્રમુખ જો બિડેન,જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત વડાપ્રધાન એન્થોની આલ્બેનિઝને મળશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે“વિશ્વનું વધુ કલ્યાણ થાય તે માટે પીએમ નરેન્દ્ર મોદી જાપાન જવા રવાના થયા છે.”
મોદી આ સમિટ ઉપરાંત આ તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય મીટિંગ પણ કરશે.તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે“જાપાનમાં હું ક્વોડ નેતાઓની સમિટમાં હાજરી આપીશ,જેમાં ક્વોડના ચાર સભ્ય દેશો સાથે મળીને ક્વોડની પહેલ અંગે પ્રગતિની સમીક્ષા કરવાનો અવસર મળશે.અમે ઈન્ડો-પેસિફિક રિજનમાં બની રહેલા અને વિશ્વમાં બની રહેલા ઘટનાક્રમ અંગે પણ વિચારોની આપ-લે કરીશું.”ઉલ્લેખનીય છે કે ઈન્ડો-પેસિફિક રિજનમાં ખાસ કરીને ચીનની ગતિવિધિથી મોટાભાગના દેશો ત્રસ્ત છે.તેમાં પણ અમેરિકા સાથે મતભેદ વધી જવાને કારણે અમેરિકા ચીનને કાબૂમાં લેવા માટે ભારતને સહયોગ આપવા ઈચ્છે છે.