રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાએ પસંદ કરેલા કોઈ પણ ઉમેદવારનું અમે સમર્થન કરીશું : શરદ પવાર

191

મુંબઈ : એનસીપીના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે તેમનો પક્ષ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ બેઠકોની આગામી ચૂંટણીમાં સંભાજીરાજે છત્રપતિ અથવા શિવસેના દ્વારા પસંદ કરવામાં આવેલા અન્ય કોઈ પણ ઉમેદવારનું સમર્થન કરશે.પુણેમાં શનિવારે કેટલાક બ્રાહ્મણ સમુદાયોના પ્રતિનિધિઓ સાથેની મુલાકાત બાદ તેમણે પત્રકારો સાથે વાત કરી હતી.મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના છ સભ્યો પીયૂષ ગોયલ,વિનય સહસ્રબુદ્ધે અને વિકાસ મહાત્મે(ત્રણેય બીજેપીના સભ્યો),પી.ચિદમ્બરમ(કૉન્ગ્રેસ),પ્રફુલ પટેલ(એનસીપી)અને સંજય રાઉત(શિવસેના)નો કાર્યકાળ ચોથી જુલાઈએ પૂરો થાય છે.
આ માટેની ચૂંટણી ૧૦ જૂને યોજાશે.બીજેપી એની પાસેના વિધાનસભ્યોની સંખ્યાના આધારે રાજ્યસભાની બે બેઠક જીતી શકે છે,જ્યારે મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધન શિવસેના,કૉન્ગ્રેસ અને એનસીપી પ્રત્યેક એક-એક બેઠક જીતી શકે છે.છ બેઠકો માટે ચૂંટણી થશે.કોલ્હાપુરના રાજવી પરિવારના સભ્ય અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજીરાજે અગાઉ રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત સભ્ય હતા.તાજેતરમાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ રાજ્યસભાની આગામી ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડશે.તેમણે તમામ પક્ષોને તેમને ટેકો આપવાની અપીલ કરી હતી.
શનિવારે પત્રકારોને શરદ પવારે જણાવ્યું હતું કે‘અમારા ઉમેદવારને ટેકો આપ્યા પછી અમારી પાસે શિવસેનાના એક ઉમેદવારને મદદ કરવા માટે મતો હશે.તેઓ સંભાજીરાજે કે અન્ય ઉમેદવારને પસંદ કરી શકે છે.અમે શિવસેનાએ પસંદ કરેલા ઉમેદવારનું સમર્થન કરીશું.’

Share Now