અમદાવાદ : રાજ્યની સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ બાદ હવે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ જી-શાળા એપથી અભ્યાસ કરી શકશે.અત્યાર સુધી માત્ર સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ નિઃશુલ્ક એપનો ઉપયોગ કરી શકતા હતા,પરંતુ ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા ન હતા.જોકે,હવે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ જી-શાળા એપનો ખૂબ જ સામાન્ય ચાર્જ ચૂકવી ઉપયોગ કરી શકશે.આ માટે રૂ. 500થી લઈને રૂ.2 હજાર સુધીનો વાર્ષિક ચાર્જ નક્કી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.પ્રાપ્ત માહિતી અનુસાર,શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-1થી 12ના વિષયોને આવરી લઈ જી-શાળા એપ તૈયાર કરી છે.જેમાં તમામ વિષયનું ઈ-કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે.રાજ્યની સરકારી સ્કૂલો માટે આ ઈ-કન્ટેન્ટ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવેલું છે,જોકે,હવે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ તેનો ઉપયોગ કરી શકે તે માટે સાવ સામાન્ય ચાર્જ લઈ કન્ટેન્ટ આપવાનું નક્કી કરાયું છે.આમ,બજારમાં મળતા ઈ-કન્ટેન્ટના ભાવ ખૂબ જ ઉંચા હોય છે.પરંતુ જી-શાળા એપ પર વિદ્યાર્થીઓને સામાન્ય રકમ ચૂકવીને ઈ-કન્ટેન્ટનો ઉપયોગ કરવા મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે કન્ટેન્ટની રકમ પણ નક્કી કરવામાં આવી છે.જેમાં ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ચાર્જ રૂ.500 નક્કી કરાયું છે.જ્યારે ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ચાર્જ રૂ.1000 રાખવામાં આવ્યો છે.ધોરણ-9 અને 10ના વિદ્યાર્થીઓ માટે આ ઈ-કન્ટેન્ટનો ચાર્જ રૂ.1500 નક્કી કરાયો છે.ઉપરાંત ધોરણ-11 અને 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રૂ.2 હજાર ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.રાજ્યમાં આગામી જૂનથી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષ માટે આ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.ઈ-કન્ટેન્ટ રાજ્યના અભ્યાસક્રમ મુજબ ગુજરાતી માધ્યમમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 2D અને 3D એનિમેટેડ વીડિયો,સંદર્ભ સામગ્રી,મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક,ડિજિટલ સ્વરૂપે પાઠ્યપુસ્તક,શબ્દ સંગ્રહ,શિક્ષકો માટે પૂર્વ વર્ગખંડ મોડ્યુઅલ,કોમ્યુનિકેશન મોડ્યુઅલ અને વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ માટેના ડેશબોર્ડની સુવિધા પણ ઉપલબ્ધ છે.