બારડોલી : બારડોલી તાલુકાના માણેકપોર ગામ ખેતીવાડી વિસ્તારમાં અપૂરતા વીજપુરવઠાથી અકળાયેલા ખેડૂતોએ વીજ કચેરીએ હલ્લાબોલ કર્યું હતું.મઢી સબ ડિવિઝનના જુનિયર ઈજનેર કે ડી.પટેલે રજુઆત સાંભળવાને બદલે ખેડૂતોને કાયદા બતાવતા ખેડૂતો અકળાયા હતાં.સુરત જિલ્લાના છેવાડે આવેલ માણેકપોર ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રેઢિયાળ વહીવટના કારણે ખેડૂતો ત્રસ્ત બન્યા છે.માણેકપોર ગામે ખેતીવાડી વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાથી ખેડૂતો ત્રાસી ગયા છે.અવારનવાર મઢી અને વાલોડ સબ ડિવિઝનને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નફ્ફટ અધિકારીઓ ઓફીસમાંથી બહાર નીકળવાનું નામ લેતા નથી.અને ખેડૂતોનો પ્રશ્ન ઠેરનો ઠેર રહ્યો છે.હાલ શેરડીમાં પાણીની તાતી જરૂરિયાત હોય વીજ પુરવઠો જરૂરી બની જાય છે.ત્યારે આવા સમયે ખેતરોમાં પુરવઠાના અભાવે મોટર નહીં ચાલુ થતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.ગામમાં વીજ પુરવઠાનો પ્રશ્ન ઉકેલાય એ માટે ગામ દ્વારા વીજ કંપનીને જમીન ફાળવી હતી.પરંતું કહેવત મુજબ ઘરના છોકરા ઘંટી ચાટે,પાડોશીને આંટો જેવી દશા થઈ છે.ગામની જમીન હોવા છતાં અન્ય ગામોને પૂરતો પુરવઠો મળે અને માણેકપોર ગામને અન્યાય થતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
આજે વહેલી સવારમાં જ માણેકપોર ગામના ખેડૂતો ભેગા મળી મઢી વીજકંપની ખાતે હલ્લાબોલ કર્યું હતું.જ્યાં ખેડૂતોએ અધિકારીઓને ઉગ્ર રજૂઆતો કરી હતી.એક બાજુ વીજકંપનીના ડેપ્યુટી ઈજનેર ખેડૂતોને સાંભળી રહ્યા હતા.તો બીજી બાજુ જુનિયર ઈજનેર કે.ડી.પટેલ ખેડૂતોની રજુઆત સાંભળવાને બદલે વાલોડ સબ ડિવિઝન પર ઢોળી ખેડૂતોને કાયદા બતાવતા નજરે પડ્યા હતા.જેથી ખેડૂતો વધુ રોષે ભરાયા હતા.ખેડૂતોની માંગ પ્રમાણે ખાંભલા ટેપ લાઇન છૂટી પાડવામાં આવે અથવા માણેકપોર બંધ કરી તમામને વાલોડમાં જોડી દેવામાં આવે તેવી માંગ કરી હતી.સમગ્ર મામલે ડેપ્યુટી ઈજનેર વી.બી.મહાલાએ ખેડૂતોની રજુઆતનું યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.પરંતુ જુનિયર ઈજનેર કે ડી પટેલનું ખેડૂતો સાથે વાત કરવાની પદ્ધતિને લઇને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો.