સુરત : તા.25 મે 2022,બુધવાર : શહેરમાં સ્પાની આડમાં ચાલતા કૂંટણખાના ઝડપી પાડવાની ચાલી રહેલી કામગીરી અંતર્ગત કાપોદ્રા ચાર રસ્તા સ્થિત શ્રધ્ધા કોમ્પ્લેક્ષમાં આદર્શ નામની દુકાનમાં દરોડા પાડી 3 લલના,મેનેજર અને 7 ગ્રાહકની ધરપકડ કરી છે.
શહેરના અલગ-અલગ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહેલા કૂંટણખાના પર દરોડા પાડવા માટે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન સિટી પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.જે અંતર્ગત ગત રાતે કાપોદ્રા ચાર રસ્તા સ્થિત શ્રધ્ધા કોમ્પ્લેક્ષમાં આદર્શ નામની દુકાનમાં સ્પાની આડમાં ધમધમતા કૂંટણખાના પર વરાછા પોલીસે દરોડા પાડયા હતા.જયાંથી મેનેજર શીવરા ખદ્દાલ સ્વાંઇ(ઉ.વ.24 રહે.જગન્નાથ રેસીડન્સી,સાયણ સુગર રોડ,ઓલપાડ,જિ.સુરત)ઉપરાંત 6 ગ્રાહક અને ત્રણ લલનાને ઝડપી પાડી 7 મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ.30,500 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.જયારે દલાલ રતીકાંત હરીક્રિષ્ણા જૈના(રહે. ગણેસ એપાર્ટમેન્ટ,અમરોલી),બાબુ અને દુકાન માલિક ગોરધન ભગવાન ધોળકીયા(રહે.જીલપાર્ક સોસાયટી,કતારગામ)ને વોન્ટેડ જાહેર કર્યા છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસમાં સુરત સિટી પોલીસે વેસુ, ડુમસ રોડ,પાર્લે પોઇન્ટ,રીંગરોડ સહિતના વિસ્તારમાંથી સાતથી વધુ ઠેકાણે સ્પાની આડમાં ચાલતા કૂંટણખાના પર દરોડા પાડયા છે.