નવી દિલ્હી : દેશની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજ્યસભામાં મોકલવાની પક્ષના વરિષ્ટ નેતાઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.પ્રિયંકા,૨૦૧૭થી સક્રિય રાજકારણમાં છે,પક્ષનાં ઉત્તરપ્રદેશનાં પ્રભારી પણ છે પરંતુ હજી સુધી તેઓ સંસદનાં કોઈ પણ સદનનાં સભ્ય નથી.તેવામાં કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે,પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવાં જોઇએ,જેથી તેઓ પાર્ટીનો પક્ષ સંસદમાં પ્રબળતાથી રજૂ કરી શકે.કોંગ્રેસ નેતાગણ અને રાજ્ય એકમો વચ્ચે રાજ્યસભાની આગામી ચૂંટણીઓ અંગે ચર્ચા થઇ રહી છે.હરિયાણા,રાજસ્થાન,કર્ણાટક,તમિલનાડુ,છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાં કોંગ્રેસ કેટલીક બેઠકો ઉપર વિજયની સ્થિતિમાં છે.તેમાં કોણ કોણ નેતાઓને તક આપી શકાય તે માટે ચર્ચા ચાલે છે.
તેમાં કેટલાક નેતાઓએ પ્રિયંકા ગાંધીને રાજયસભામાં મોકલવાનો પ્રસ્તાવ રજૂ ક્રયો છે.જો કે,હજી સુધી પ્રિયંકા ગાંધી,કે ગાંધી પરિવારનાં કોઈપણ સભ્યે કશું કહ્યું નથી,પરંતુ અંદરખાને ચર્ચા તેજ છે.એક વિચાર તેવો પણ હતો કે એક સમયે નહેરૂ ગાંધી પરિવારના ગઢ મનાતાં ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલી બેમાંથી એક બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધીને લોકસભાની ચૂંટણીમાં ઊભાં રાખવાં પરંતુ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની જે સ્થિતિ થઇ છે તેથી ત્યાંથી તો લોકસભાની ચૂંટણી લડવી તે જોખમી બની રહ્યું છે.૨૦૧૯માં અમેઠીમાં તો રાહુલ ગાંધીનો પણ પરાજય થયો હતો અને રાયબરેલીમાં સોનિયા ગાંધીનો વિજય બહુ થોડા માર્જિને થયો હતો.તેથી કોંગ્રેસ કોઈ જોખમ પ્રિયંકા માટે લેવા માગતી નથી.માટે તેઓને રાજ્યસભામાં જ મોકલવાં તે વધુ અનુકુળ બનશે તેમ પક્ષના નેતાઓ માને છે.