ચીનની દાદાગીરી સાંખી નહીં લેવાય : ક્વાડની ચેતવણી

149

ટોક્યો : હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં યથાસ્થિતિ બદલવાના અને તણાવ વધારવાની કોઈપણ ઉશ્કેરણીજનક કે એકતરફી કાર્યવાહી હવે જરા પણ સાંખી નહીં લેવાય અને તેનો જડબાતોડ જવાબ અપાશે તેવી ચેતવણી ક્વાડ જૂથના નેતાઓએ ચીનને આપી હતી.આ સાથે ચીનની શાન ઠેકાણે લાવવા માટે નવી અષ્ટકોણીય ફોર્મ્યુલા સાથે ક્વાડની બેઠક પૂરી થઈ હતી.ક્વાડ બેઠકમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત વ્યવસ્થા જાળવી રાખવા,ક્ષેત્રના વિકાસ માટે ભારત,અમેરિકા,જાપાન,ઓસ્ટ્રેલિયાએ સંકલ્પની પુષ્ટી કરી હતી.બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ,આતંકવાદ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.દુનિયામાં ચીનનું કદ વધવાની સાથે દક્ષિણ ચીન સમુદ્ર અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં તેની દાદાગીરી પણ વધી રહી છે.ચીને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને દક્ષિણ-ચીન સમુદ્રમાં તેની આજુબાજુના દરેક દેશો સાથે સરહદના મુદ્દા સળગતા રાખ્યા છે.પરિણામે ચીનની વધતી તાનાશાહી સામે રચાયેલા ક્વાડ જૂથની જાપાનના ટોક્યોમાં મંગળવારે શિખર મંત્રણા યોજાઈ હતી.આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી,અમેરિકાના પ્રમુખ જો બાઈડેન,જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન એન્થની અલ્બનીસે હિન્દ-પ્રશાંત ક્ષેત્રના વિકાસ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.ક્વાડ નેતાઓની બીજી વ્યક્તિગત બેઠક પછી ચારેય દેશના નેતાઓએ છ પાનાનું સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું,જેમાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાની ચિંતાઓથી લઈને સ્વાસ્થ્ય સુરક્ષાની વ્યવસ્થા અને ભવિષ્યની ટેક્નોલોજીથી લઈને નાણાકીય સંશાધનોની વ્યવસ્થા સુધીના અનેક મુદ્દાઓ પર નક્કર પ્રયાસોનું માળખું રજૂ કરાયું હતું.

ક્વાડ દેશોએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમુદ્રી પરિવહન માટે યુએનસીએલઓએસ જેવા આંતરરાષ્ટ્રીય નિયમોના પાલન,પૂર્વીય તથા દક્ષિણ ચીન સમુદ્રમાં આવાગમનની આઝાદી અને હવાઈ ક્ષેત્રમાં પરિવહનની સ્વતંત્રતા માટે કટિબ્ધતા વ્યક્ત કરી હતી.ક્વાડ દેશોએ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ટાપુ દેશો સાથે પણ ભાગીદારી મજબૂત કરવા પર ભાર મૂક્યો છે.એટલે કે ક્વાડ દેશો હવે સોલોમન ટાપુ સાથે સૈન્ય સમજૂતી જેવા ચીનના પગલાંઓનો રસ્તો પણ બંધ કરવા માગે છે.

Share Now