કોરોના વાયરસને પગલે પીએમ મોદીએ 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. તો ગુજરાતમાં અગાઉથી જ લોકડાઉનની પરિસ્થિતિ છે. તેવામાં ગુજરાતનાં દરેક ઉદ્યોગ-ધંધા ઠપ્પ છે. સુરતમાં આવેલ હીરા ઉદ્યોગ પણ હાલ ઠપ્પ છે. તેવામાં હજારો રત્નકલાકારો માટે એક સારા સમાચાર છે. GJEPCએ મદદ માટે 50 કરોડની જાહેરાત કરી છે.
સુરતના હીરા ઉદ્યોગ ચીન, હોંગકોંગ, અમેરિકા સાથે એક્સપોર્ટ કરે છે. પણ લોકડાઉનના કારણે એક્સપોર્ટ બંધ છે. જેને લઈ હજારો રત્નકલાકારોના જીવનનિર્વાહને લઈ સવાલો ઉભા થયા હતા. તેવામાં કોરોનાને લઈ સુરતમાં GJEPCએ 50 કરોડની જાહેરાત કરી છે. 80 ટકા એક્સપોર્ટ રોકાતા રત્નકલાકારોની મદદ માટે આ જાહેરાત કરવામાં આવી છે.
જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલની CEO સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં 50 કરોડની જાહેરાતને પગલે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં રત્નકલાકારોની મદદ માટે 6 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જે આગામી સમયમાં આ પેકેજને લઈ રત્નકલાકારોની મદદ કરશે. અગાઉ જ મંદીમાં સંપડાયેલ હીરા ઉદ્યોગ કોરોના વાયરસને કારણે ઝઝૂમી રહ્યો હતો.