જમ્મુ-કાશ્મીર ખાતે રોડ અકસ્માતની ઘટનામાં સુરતના યુવાનનું અપમૃત્યુ

163

સુરત : તા.26 મે 2022,ગુરૂવાર : લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા.આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે.મૃતક અંકિત સંઘવી પોતે ટુર સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો,માતા-પિતા અને એક બહેન,ભાઈ છે.શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી.ત્યાર બાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે.
કારગિલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે જ્યારે એક 20 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે.મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ કાશ્મીરના છે જ્યારે બાકીના સૌ અન્ય રાજ્યના પર્યટકો હતા.અકસ્માત બાદ પોલીસ,સેના અને બીઆરઓના બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

Share Now