નવી દિલ્હી : તા.27 મે 2022, શુક્રવાર : આજે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની પુણ્યતિથિ છે.આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.સોનિયા ગાંધી આજે વહેલી સવારે પંડિત નેહરૂના સમાધિ સ્થળ શાંતિ વન ખાતે પહોંચ્યા હતા અને પુષ્પ અર્પિત કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આ પ્રસંગે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.જવાહરલાલ નેહરૂની 58મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ તરફથી સ્મરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ તરફ મધ્ય પ્રદેશના સતના ખાતેથી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની પ્રતિમા પર કેટલાક યુવકોએ લાકડી અને હથોડા વડે પ્રહાર કર્યો હતો.કોંગ્રેસીઓ દ્વારા આ ઘટના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા કહેવામાં આવ્યું છે.

