નવી દિલ્હી : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ શિવ મંદિર હોવાના દાવા અને તેના સરવેમાં શિવલિંગ મળ્યાના અહેવાલો પછી દેશભરમાં અનેક મસ્જિદો અને મુસ્લિમ સ્થાપત્યો મંદિરો હોવાના દાવાઓ થવા લાગ્યા છે.
મથુરામાં ઈદગાહ મસ્જિદનો વિવાદ સદીઓ જૂનો છે જ્યારે દિલ્હીમાં જામા મસ્જિદ,કુતુબ મિનાર,આગરાનો તાજમહેલ મંદિરો તોડીને બનાવાયા હોવાનો દાવો થઈ રહ્યો છે.આ શ્રેણીમાં હવે અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ તેમજ કર્ણાટકમાં ટીપુ સુલતાનનો પેલેસ વિવાદોમાં સપડાયા છે.દિલ્હીની મહારાણા પ્રતાપ સેનાએ અજમેરની ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પણ હિન્દુ મંદિર હોવાનો દાવો કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અનેક મંત્રીઓને પત્ર લખીને પુરાતત્વ વિભાગ પાસેથી તેનો સરવે કરાવવાની માગણી કરી છે.મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ્યવર્ધન સિંહ પરમારે દાવો કર્યો છે કે અજમેર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પહેલા હિન્દુ મંદિર હતું.તેમણે દાવો કર્યો કે આ દરગાહનું પુરાતત્વ વિભાગ પાસેથી સરવેક્ષણ કરાવવામાં આવે તો ત્યાં હિન્દુ મંદિર હોવાના નક્કર પુરાવા મળશે.
પત્રમાં એમ પણ જણાવાયું છે કે દરગાહની અંદર અનેક જગ્યાએ હિન્દુ ધાર્મિક ચિહ્નો પણ છે,જેમાં સ્વસ્તિકનું નિશાન મુખ્ય છે.તેમણે લખ્યું કે આ સિવાય પણ હિન્દુ ધર્મ સંબંધિત અન્ય પ્રતિક ચિહ્નો પણ દરગાહમાં છે.તાજેતરમાં જ ખ્વાજા ગરીબ નવાઝનો ૮૧૦મો ઉર્સ મનાવાયો છે.બીજીબાજુ દરગાહના જાણકારોના જણાવ્યા મુજબ તેનો ઈતિહાસ ૯૦૦ વર્ષ જૂનો છે,પરંતુ હજુ સુધીના ઈતિહાસમાં દરગાહ કોઈ હિન્દુ મંદિર તોડીને બનાવાઈ હોવાનો નક્કર દાવો કરાયો નથી.

