અમદાવાદ : શુક્રવાર : એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના અમદાવાદ,હિમ્મતનગર,મોરબી અને સુરતની ઑફિસો,ફેક્ટરીઓ તથા તેના ડિરેક્ટર્સના અમદાવાદ ખાતાના બંગલા સહિત ૪૦થી વધુ સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં આજે સુરતના વીઆઈપી રોડ પર આવેલા રત્નજ્યોત એપાર્ટમેન્ટમાંથી ઓપરેટ કરતાં શેરદલાલ ચિરાગ મોઢને ત્યાંથી ચાર કરોડની રોકડ ઝડપાઈ હતી.ચિરાગ મોઢને ત્યાંની અને અન્ય વ્યક્તિઓને ત્યાંથી મળી આવેલી રોકડ ગણવા માટે કાઉન્ટિંગ મશીન મંગાવવા પડયા હોવાથી રોકડમાં હજીય વધારો થવાની સંભાવના છે.આવકવેરા અધિકારીઓ સ્ટેટ બેન્કમાં રોકડ જમા કરાવવા ગયા ત્યારે સ્ટેટબેન્કના અધિકારીઓએ રોકડ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા આવકવેરા અધિકારીઓએ બેન્કના પ્રાદેશિક વડાને ફોન કરવાની ફરજ પડી હતી.બીજીતરફ આ દરોડા હેઠળ આવરી લેવામાં આવેલા દરેક પક્ષકારનું આવકવેરાની ૪૦ ટીમના અધિકારીઓની ટીમના સભ્યો શનિવાર બપોર પછી સ્ટેટમેન્ટ લેવાની શરૃઆત કરી દેશે.તેમના જવાબને ધ્યાનમા ંલઈને તેમની કરવેરાની ચોરીનો આંક નિશ્ચિત થવાની સંભાવના છે.
કંપનીના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ કમલેશ પટેલ,ભાવેશ પટેલ,કાળીદાસ પટેલ અને સુરેશ પટેલના અદાણી શાંતિગ્રામ ખાતેના નિવાસસ્થાને ચાલી રહેલ દરોડામાં ચારેયે પ્રમોટરોની પણ આવતીકાલે પૂછપરછ ચાલુ કરી દેવામાં આવશે.દરોડા દરમિયાન મોટી સંખ્યામાં હાથ લાગેલા વાંધાજનક દસ્તાવેજોની હાર્ડ કોપી અને ડિજિટલ ડેટાનું વિશ્લેષણ પણ સોમવારથ પછી ચાલુ કરી દેવામાં આવશે.આવતીકાલે ચોથો શનિવાર હોવાથી બેન્કો બંધ આવતી હોવાથી લૉકર ઓપરેટ કરવાની કામગીરી સોમવાર પર ઠેલાવાની સંભાવના છે.લૉકરમાંથી વધુ રોકડ અને જ્વેલરી મળી આવવાની ધારણા મૂકવામાં આવી રહી છે.
અમદાવાદના સેટેલાઈટ સહિતના જુદાં જુદાં વિસ્તારોમાં આવેલા તેમના શૉ રૃમ્સને પણ દરોડા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.અમદાવાદમાં સૌથી વધુ ૩૦ સ્થળઓ દરોડા આજે પણ ચાલુ જ છે.દરોડાની કાર્યવાહી સોમવારે પૂરી થવાની સંભાવના હોવાનું આવકવેરાના જાણકાર સૂત્રોનું કહેવું છે.અમદાવાદના પાલડીના નારાયણનગર વિસ્તારમાં ફાઈનાન્સર તરીકેનું કામ કરતાં પિતા અને બે પુત્ર સંકેત શાહ,દિપક શાહ અને રૃચિત શાહને રોકડ નાણાં લઈને ચારથી પાંચ બેન્ક એકાઉન્ટમાં ડાયવર્ટ કરીને પછી સંબંધિત પાર્ટીને ચેકથી પેમેન્ટ કરી દઈને બિનહિસાબી નાણાંને હિસાબી નાણાંમાં રૃપાંતરિત કરી આપતા હોવાનું માનવામાં આવે છે.બજારની ભાષામાં તેને એન્ટ્રી પ્રોવાઈડ કરવી તેમ કહેવામાં આવે છે.