)સુરત, તા. 24 માર્ચ 2020, મંગળવાર
કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે જાહેર કરેલા લોકડાઉનમાં લોકો વિના કારણે બહાર નહીં નીકળે તે માટે પોલીસ પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો આવી સ્થિતિમાં પણ પોલીસ સાથે ઘર્ષણ સર્જી પોતાની મૂર્ખતા બતાવી રહ્યા છે.
ગત સવારે ડિંડોલી જકાતનાકા બ્રિજ નીચે વિના કારણે ઉભેલા યુવાનને ડિંડોલી પોલીસ મથકના એએસઆઇએ ઘરે જવા કહ્યું ત્યારે તેણે માથાકૂટ કરી પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું અને એએસઆઈને હાથમાં નખ મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડિંડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ ભગીરથસિંહ ઉદયસિંહ અને અન્ય પોલીસકર્મીઓ ગત સવારે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે જાહેર કરેલા લોકડાઉનમાં લોકો વિના કારણે બહાર નહીં નીકળે તે માટે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ડિંડોલી–નવાગામ ઓવર બ્રીજ નીચેના જુના જકાતનાકા પાસે બ્રિજની નીચે એક યુવાન ઉભેલો હોય તેને એએસઆઇ ભગીરથસિંહે ઘરે જતા રહેવા માટેકહ્યું હતું.
તેમ છતા તે ત્યાં જ ઉભો રહી એએસઆઇ સાથે માથાકુટ કરવા લાગ્યો હતો. “તમે જુઓ, હું કોણ છું? હું એકલો દસ-દસ જણાને મારૂ તેમ છું. ” આથી એએસઆઇએ તેને આ રીતે વાત નહી કરવા સમજાવતા અને ઘરે જતા રહેવા માટે જણાવતા તે યુવાને તમારી પોલીસની શુ ઔકાત છે. તમે તો સો-સો રૂપિયામાં વેચાવ છો, તમારા કહેવાથી હું થોડો ઘરમાં જતો રહું તેમ કહી એએસઆઇ તથા તેમની સાથેના પોલીસ માણસો સાથે ગમે-તેમ વર્તન કરી ગાળાગાળી કરી હતી. તમને બધાને હું સારી રીતે ઓળખુ છું કહી એએસઆઇ સાથે ઝપાઝપી કરી તેમના હાથ ઉપર નખોરડા મારવા માંડયા હતા.
એએસઆઇ સાથેના પોલીસના માણસોએ વચ્ચે પડી તેને પકડી લીધો હતો. ઝપાઝપીમાં એએસઆઇના જમણા હાથની આંગળી ઉપર નખથી ઇજા થતા લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે એએસઆઇ ભગીરથસિંહે તે યુવાન રાજનકુમાર હરેન્દ્ર પ્રતાપ સિંઘ ( ઉ.વ.35 ) ( રહે. મકાન નં.40, મોર્યાનગર, ભગવતી સ્વીટ ફરસાણ પાસે, નવાગામ ડીંડોલી, સુરત. મુળ રહે. ઉત્તરપ્રદેશ ) વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.


