મુંબઇ, તા.24 માર્ચ 2020, મંગળવાર
સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ રાજ્યોને કોરોના વાઈરસને પગલે જેલોમાં ગિર્દી ઓછી કરવાના પગલાં લેવાનો આદેશ આપમેળે આપ્યો છે. જ્યારે મુંબઇમાં આર્થર રોડ અને અન્ય જેલના સુપરિટેન્ડન્ટે સોમવારે સ્થાનિક કોર્ટમાં અરજી કરીને નાના અને સામાન્ય ગુનાસર પકડાયેલા કાચા કામના કેદીઓને રેગ્યુલર જામીન પર અને મોટા ગુનાના અન્ય આરોપીઓને કામચલાઉ જામીન પર મુક્ત કરવાની દાદ માગી હતી.
જો કે આર્થર રોડ અને અન્ય જેલના સુપરિન્ટેન્ડન્ટોએ 16 માર્ચે કરેલી વિનંતી પર હજી કોઈ આદેશ નથી
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મુંબઇને જેલ સુપરિન્ટેન્ડન્ટ એનબી વાયચલે પત્ર લખીને 16 માર્ચે, 2020ના કરેલી વિનંતીનું સ્મરણ કરાવ્યું હતું.
આર્થર રોડ જેલની ક્ષમતા 1000થી ઓછી છે પણ 3700 કેદી ભર્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોવિદ-19 પોઝિટીવ દર્દીઓની ત્રણ કિ.મી.નો વિસ્તાર ભીડ મુક્ત કરવાનું જાહેર કર્યું છે. આર્થર રોડ જેલ કસ્તુરબા હોસ્પિટલથી માત્ર 100 મીટરના અંતરે છે અને આ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર ચાલુ છે. આથી કેદીઓને જામીન પર મુક્ત કરવાની વિનંતી કરતો પત્ર 16 માર્ચે અપાયો હતો. અન્ય જેલના સુપરિન્ટેન્ડન્ટોએ પણ આવી વિનંતી કરી છે, પરંતુ હજી આદેશ અપાયો નથી.

