સુરત : સુરત શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થા માટે મ્યુનિ.ટ્રાફિક આઇલેન્ડ બનાવી રહી છે.પરંતુ કેટલાક સુરતીઓની ગંદકી કરવાની આદતને કારણે આ ટ્રાફિક આઇલેન્ડ કચરાપેટી બની રહ્યા છે.કેટલાંક ટ્રાફિક આઈલેન્ડમાં લોકો વધેલો ખોરાક અને પશુનો ચારો નાંખી રહ્યા છે.જેના કારણે શહેરની સુંદરતાને ગ્રહણ લાગી રહ્યું છે.સુરત શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે મ્યુનિ,લાખો રૃપિયાના ખર્ચે ટ્રાફિક આઇલેન્ડ બનાવી રહી છે.જોકે,અનેક ટ્રાફિક આઇલેન્ડ લોકભાગીદારીથી વિકાસ માટે આપી દેવામાં આવ્યા છે.પણ જે ટ્રાફિક આઇલેન્ડ લોકભાગીદારીથી આપવામાં આવ્યા નથી તેવા આઇલેન્ડની જાળવણીમાં મ્યુનિ.તંત્ર સદંતર નિષ્ફળ નીવડી છે.હાલમાં જ પાલનપુર વિસ્તારની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે એક સર્કલ બનાવ્યું છે.પણ તેની જાળવણી કરવામાં આવતી ન હોવાના લીધે આસપાસના વિસ્તારમાં રહેતા કહેવાતા જીવદયા પ્રેમીઓ ટ્રાફિક આઈલેન્ડમાં જ ઢોરનો ચારો નાંખી રહ્યા છે.
તો કેટલાક લોકો આ ટ્રાફિક આઈલેન્ડમાં પોતાના ઘરમાં રાંધેલો ખોરાક ફેંકી રહ્યા છે.લોકોની આવી હરકત સામે મ્યુનિ.તંત્ર કોઈ પગલાં ભરતું નથી.જેના કારણે આઇલેન્ડમાં સતત ગંદકી થતી રહે છે.આ જગ્યાએ ગંદકી કરનાર પાસે દંડ વસૂલવાના બોર્ડ પણ લગાવ્યા હતા.પરંતુ ગંદકી કરનાર લોકોએ બોર્ડ પણ ફાડીને ફેંકી દીધા છે.લોકો વધેલો ખોરાક અને ચારો નાખતા હોવાથી આ જગ્યાએ રોજ ઢોરનો મેળાવડો થાય છે.જેના કારણે વાહન ચાલકો સામે અકસ્માતનો ખતરો રહે છે.આ વિસ્તારના કોર્પોોરેટરો પણ આ અંગે અનેકવાર રજૂઆત કરી ચુકયા છે.પરંતુ મ્યુનિ.ના અધિકારીઓ દ્વારા આ સમસ્યાનો હલ લાવવામાં આવતો નથી.આ વિસ્તારના લોકો આ પ્રકારની ગંભીર સમસ્યાનો હલ આવે તેવી માંગણી કરી રહ્યા છે.