આનંદો, ચોમાસુ ધોધમાર રહેશે સરેરાશ 103% વરસાદની આગાહી

132

નવી દિલ્હી : દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે આ વર્ષે બમ્પર કૃષિ ઉત્પાદનની આશા વધુ મજબૂત બની છે.હવામાન વિભાગે આ વર્ષના ચોમાસા માટેની આગાહીમાં સુધારો કર્યો છે અને જણાવ્યું છે કે આ સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઈ શકે છે.દેશમાં આ સિઝનમાં સરેરાશ 103 ટકા અને ગુજરાત જેવા રાજ્યમાં 106 ટકા વરસાદની ધારણા છે.ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજયમોહપાત્રાએ જણાવ્યું હતું કે ચોમાસાની આ સિઝનમાં સરેરાશ વરસાદ લાંબા ગાળાની એવરેજના 103 ટકા રહેવાની ધારણા છે.ખેતી માટે વરસાદ પર આધાર રાખતા ગુજરાત સહિતના રાજ્યોમાં સરેરાશ 106 ટકા વરસાદ થવાની શક્યતા છે.એપ્રિલમાં આઇએમડીએ સામાન્ય વરસાદ એટલે કે લાંબા ગાળાની સરેરાશના 99 ટકા વરસાદની આગાહી કરી હતી.લાંબા ગાળાની એવરેજ એટલે કે 1971-2000 સુધીના 50 વર્ષમાં પડેલો વરસાદ છે.સમગ્ર દેશમાં લાંબા ગાળાનો સરેરાશ વરસાદ 87 સેન્ટિમીટર એટલે કે આશરે 34.25 ઇંચ છે.

મોહપાત્રાએ જણાવ્યું હતું કે ખેતી માટે વરસાદ પર આધાર રાખતા ગુજરાતથી લઇને ઓડિશા સુધીના મોન્સૂન કોર ઝોન રાજ્યોમાં લાંબા ગાળાની સરેરાશના 106 ટકાથી વધુ વરસાદ થવાની ધારણા છે.મધ્ય ભારત અને દક્ષિણ દ્વિપકલ્પમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થશે,જ્યારે ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં સામાન્ય ચોમાસું રહેવાની શક્યતા છે.આ દેશમાં સતત ચોથા વર્ષે સામાન્ય ચોમાસું જોવા મળશે.અગાઉ 2005-08 અને 2010-13 દરમિયાન સામાન્ય વરસાદ નોંધાયો હતો.મોહપાત્રાએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ભાજતમાં નોર્મલ મોન્સૂન જોવા મળી શકે છે,કારણ કે સામાન્ય કરતાં ઓછા વરસાદનો દાયકો પૂરો થવાની અણી પર છે.આપણે સામાન્ય ચોમાસાના સમયગાળામાં આગળ વધી રહ્યાં છીએ.

હવામાન વિભાગે કેરળમાં મેઘરાજાની પધરામણીની જાહેરાતમાં ઉતાવળ કરી હોવાની ટીકાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે વેધર ઓફિસ ચોમાસાના આગમન અને આગેકૂચની જાહેરાત કરવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે.કેરળમાં 70 ટકા વેધર સ્ટેશનમાં વ્યાપક વરસાદ નોંધાયો છે તથા ઊંચા પશ્ચિમ પવનો અને વાદળોની જમાવટ અંગેના બીજા માપદંડ પણ પરિપૂર્ણ થયા છે.તેમણે જણાવ્યું હતું.હાલની લા નીનાની સ્થિતિ ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની ધારણા છે અને તે ભારતમાં ચોમાસાના વરસાદ માટે સારા સંકેત છે.જોકે નેગેટિવ ઇન્ડિયન ઓશીન ડિપોલીની રચનાની દૂરના દક્ષિણપૂર્વ દ્વિપકલ્પમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ ચાલુ શકે છે.આ વિસ્તારમાં કેરળ સહિતના દૂરના દક્ષિણ વિસ્તારોનો સમાવેશ થાય છે.

નેગેટિવ ઇન્ડિયન ઓશન ડિપોલેથી ભારતીય સમુદ્રમાં તાપમાન સામાન્ય કરતાં નીચું રહે છે.જમ્મુ અને કાશ્મીર,લડાખ,ઉત્તરાખંડ અને અરુણચાલ પ્રદેશસહિવાયના દેશના મોટાભાગના વિસ્તારમાં જૂન મહિના દરમિયાન સામાન્ય કરતાં નીચું તાપમાન રહેવાની શક્યતા છે.મહારાષ્ટ્રના સતારા અને બીડ સહિતના કેટલાંક વિસ્તારોમાં છેલ્લાં 24 કલાકમાં ચોમાસા પહેલાનો વરસાદ આવ્યો હતો.દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્ર પર વાદળો કેરળ અને કર્ણાટક તરફ આગળ વધ્યાં હતા.જે દક્ષિણ ભારત માટે સારા સંકેત છે,એમ આઇએમડી પૂણેના સિનિયર સાયન્ટિસ્ટ કે એસ હોસલિકરે જણાવ્યું હતું.નૈઋત્યનું ચોમાસું રવિવારે કેરળ આવ્યું હતું,જે પહેલી જૂનની સામાન્ય તારીખ કરતાં ત્રણ દિવસ વહેલું હતું.

Share Now