નવી દિલ્હી : તા.૩૧ : પૂર્વીય લદ્દાખમાં ઘર્ષણ વચ્ચે ચીન ભારત સાથે સતત ચર્ચા કરી રહ્યું છે,પરંતુ અનેક તબક્કાની સૈન્ય વાટાઘાટો છતાં ચીન પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર મે ૨૦૨૦ પહેલાંની સ્થિતિએ પાછા જવા તૈયાર નથી.જોકે,બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે રચાયેલા ડબલ્યુએમસીસીની વર્ચ્યુઅલ બેઠકમાં ભારત-ચીને સૈન્ય કમાન્ડરોની આગેવાનીમાં આગામી વાટાઘાટો નજીકના સમયમાં યોજવા તૈયારી દર્શાવી છે.જોકે,આ સિવાય આ બેઠકમાં કોઈ પરિણામ નીકળ્યું નહોતું.સૂત્રોના જણાવ્યા મુજબ જૂનના અંત અથવા જુલાઈના પ્રારંભમાં ભારત-ચીનના સૈન્ય કમાન્ડરો વચ્ચે બેઠક યોજાઈ શકે છે.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,બંને પક્ષોએ ભારત-ચીનના પશ્ચિમી સરહદીય વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી)પર સ્થિતિની સમીક્ષા કરી હતી અને વહેલી તકે સિનિયર કમાન્ડર્સની આગામી બેઠક યોજવા તૈયારી દર્શાવી હતી.જોકે નિષ્ણાતોનું માનવું છે કે ચીન તરફથી વાટાઘાટોને લાંબા સમય સુધી ખેંચવાની રણનીતિ અપનાવી રહ્યું છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે,ડબલ્યુએમસીસીની બેઠક મંગળવારે યોજાઈ હતી.ભારતીય ટીમની આગેવાની વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ(પૂર્વીય એશિયા)એ કરી.હતી.ચીનની ટીમનું અધ્યક્ષપદ ત્યાંના વિદેશ મંત્રાલયમાં સરહદ અને સમુદ્રી વિભાગના મહાનિદેશકે કર્યું હતું.બંને પક્ષોએ ભારત-ચીન સરહદે સ્થિતિની સમીક્ષા કરી હતી.ડબલ્યુએમસીસીની છેલ્લી બેઠક નવેમ્બર ૨૦૨૧માં યોજાઈ હતી.ત્યાર પછી બંને દેશોના સૈન્ય કમાન્ડરો વચ્ચે જાન્યુઆરી ૨૦૨૨ અને માર્ચ ૨૦૨૨માં બેઠકો થઈ હતી.આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ માર્ચ ૨૦૨૨માં ભારતનો પ્રવાસ કર્યો હતો.તે સમયે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે તેમની દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી.વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષો વચ્ચે પૂર્વીય લદ્દાખમાં સરહદની સ્થિતિ પર પણ ચર્ચા થઈ હતી.બંને પક્ષો વચ્ચે એ બાબતે સંમતી સધાઈ હતી કે માર્ચ ૨૦૨૨માં વાંગ યી અને જયશંકર વચ્ચે થયેલી બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓના આધારે સરહદ વિવાદનું સમાધાન કાઢવા માટે પ્રયાસ થશે.ભારત-ચીનના દ્વિપક્ષીય સંબંધો સામાન્ય બનાવવા માટે સરહદ વિવાદનો ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસ કરવા પણ બંને પક્ષો સંમત થયા છે.પૂર્વીય લદ્દાખ વિવાદ પછી બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરે ૧૬ તબક્કાની વાટાઘાટો થઈ ચૂકી છે,પરંતુ મડાગાંઠ યથાવત્ રહી છે.

